1. Home
  2. ગુજરાતી
  3. TMC ના 20 બળવાખોર સાંસદો NCPI માં જોડાશે, NDA ની તાકાત વધીને 312 થશે
TMC ના 20 બળવાખોર સાંસદો NCPI માં જોડાશે, NDA ની તાકાત વધીને 312 થશે

TMC ના 20 બળવાખોર સાંસદો NCPI માં જોડાશે, NDA ની તાકાત વધીને 312 થશે

0
Social Share

નવી દિલ્હી, 15 જૂન 2026: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ટીએમસીમાંથી બળવો કરીને અલગ જૂથ બનાવનારા 20 સાંસદોએ હવે સત્તાવાર રીતે બિન-માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષ ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’માં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ 20 સાંસદોના ટેકા સાથે NCPI હવે કેન્દ્રની સત્તાધારી NDA માં સામેલ થવા જઈ રહી છે, જે ભાજપ પછી એનડીએનો બીજો સૌથી મોટો સહયોગી પક્ષ બનશે.

‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ (NCPI) મૂળ ત્રિપુરાનો એક નાનો અને બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ છે. આ પક્ષે 2023 ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણી ‘સાત સ્ટ્રોકવાળા ઇંક પેન’ના ચિહ્ન પર લડી હતી. અત્યાર સુધી આ પક્ષ પાસે દેશમાં એક પણ ધારાસભ્ય કે સાંસદ નહોતા. પરંતુ ટીએમસીના 20 દિગ્ગજ સાંસદોના જોડાવાથી આ નાની પાર્ટી રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ છે. બળવાખોર સાંસદોના આ પગલાથી લોકસભામાં એનડીએની સ્થિતિ મજબુત બની છે. લોકસભામાં એનડીએના કુલ સાંસદોની સંખ્યા વધીને 312 ઉપર પહોંચશે. જ્યારે ઈન્ડિ ગઠબંધનના 20 સાંસદો ઓછા થતા વિપક્ષી ગઠબંધન નબળુ પડશે.

લોકસભામાં સાંસદોની સંખ્યા વધવાથી મોદી સરકાર માટે આગામી સત્રમાં મહત્વના અને અટકેલા વિધેયકો તેમજ બંધારણીય સુધારાઓ પસાર કરાવવા ખૂબ જ સરળ બનશે. ખાસ કરીને, આગામી સમયમાં આવનારા ‘પરિસીમન વિધેયક 2026’ અને મહિલા અનામત જેવા કાયદાઓ માટે બહુમતી મેળવવી આસાન થશે. નોંધનીય છે કે, ગત સંસદ સત્રમાં આ બિલના પક્ષમાં 298 અને વિરોધમાં 238 મત પડ્યા હોવાના કારણે બહુમતીના અભાવે બિલ પસાર થઈ શક્યું ન હતું, પરંતુ હવે વહેણ બદલાયું છે.

  • પક્ષાંતર વિરોધી કાયદામાંથી બચવાની વ્યુહરચના

બળવાખોર સાંસદોના જણાવ્યા અનુસાર, આ વિલીનીકરણ સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓને આધીન રહીને કરવામાં આવ્યું છે. પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ લોકસભાના સભ્યપદને કોઈ આંચ ન આવે તે માટે બે-તૃતીયાંશ બહુમતીના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. આ વ્યુહરચના હેઠળ તમામ 20 સાંસદોનું સભ્યપદ પણ સુરક્ષિત રહેશે અને તેઓ એનડીએને એક મજબૂત પ્રાદેશિક મંચ તરીકે ટેકો આપી શકશે. આ રાજકીય ઉથલપાથલથી સ્પષ્ટ થાય છે કે આગામી સંસદ સત્રોમાં ભાજપ અને એનડીએ વધુ આક્રમક રીતે પોતાના નિર્ણયો લાગુ કરી શકશે, જ્યારે મમતા બેનર્જી અને વિપક્ષે નવા સમીકરણો પર વિચાર કરવો પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code