રિલાયન્સની વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં સરકારી કોલેજના ૨૨૫ ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી
- ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે અમદાવાદ ખાતે તા. ૦૧ થી ૦૪ ડિસેમ્બર દરમિયાન વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન
ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025: Reliance Industries’ special placement drive રાજ્યની વિવિધ સરકારી ટેકનિકલ સંસ્થાઓમાંથી વર્ષ ૨૦૨૫માં અભ્યાસ પૂર્ણ કરનારા ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત મુજબ રોજગારી આપવા માટે વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગાંધીનગર દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે તા. ૦૧ થી ૦૪ ડિસેમ્બર દરમિયાન એક વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડ્રાઇવમાં રાજ્યની ૪૭ જેટલી સરકારી ટેકનિકલ સંસ્થાઓમાંથી વર્ષ ૨૦૨૫માં અભ્યાસ પૂર્ણ કરનારા ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લેવા માટે રિલાયન્સના નિર્ધારિત પોર્ટલ પર આશરે ૩૮૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ઓનલાઈન ટેસ્ટ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના ૬૦૮ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના ૭૨૮ વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઇન્ટરવ્યુ માટે ડીગ્રી એન્જિનિયરિંગના આશરે ૪૭૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી ડિગ્રી એન્જિનિયરિંગના ૨૨૫ વિધાર્થીઓ સિલેકટ થયા છે. તેમજ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઇન્ટરવ્યુ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની પ્રક્રિયા હાલ ચાલુ છે.
વિદ્યાર્થીઓને ટેક્નિકલ શિક્ષણ બાદ રોજગારી આપવાના હેતુથી રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ હસ્તકની તમામ ડિગ્રી અને ડિપ્લોમા સરકારી ઇજનેરી કોલેજો ખાતે પ્લેસમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. આ સેલ દ્વારા વિદ્યાર્થીઓની રસ, રૂચિ, કલા, કૌશલ્યો અનુસાર તેમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા હોય તેવી કંપનીઓ સાથે ઈન્ટરવ્યુ કરાવીને રોજગારી આપવામાં આવે છે.


