1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 7 જિલ્લાના દરિયાકાંઠાથી 7 નોટીકલ માઈલ દૂર 25 આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત થશે
ગુજરાતના 7 જિલ્લાના દરિયાકાંઠાથી 7 નોટીકલ માઈલ દૂર 25 આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત થશે

ગુજરાતના 7 જિલ્લાના દરિયાકાંઠાથી 7 નોટીકલ માઈલ દૂર 25 આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત થશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિ.મી. જેટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. જ્યાં મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ વધારે છે. છેલ્લા બે દશકામાં ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ છેલ્લા 5 વર્ષ દરમિયાન દેશ સહિત ગુજરાતના મત્સ્ય ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં દર વર્ષે સતત વધારો થાય તે માટે દરિયાઈ જીવસૃષ્ટિને આરક્ષિત કરી સંવર્ધન કરવું પણ એટલું જ અગત્યનું છે. જે માટે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછલીઓની જાત અને સંખ્યામાં વધારો કરવા માટે કુલ ૨૫ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે ભારત સરકારની “પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના” હેઠળ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં અલગ-અલગ ૨૫ જગ્યાઓ ખાતે આર્ટિફિશિયલ રીફની સ્થાપના કરવામાં આવશે. દરિયાઈ જીવસૃષ્ટિના કુદરતી નિવાસસ્થાન (રીફ) જેવા જ આર્ટિફિશિયલ રીફનો ઉપયોગ દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડીંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે થાય છે. જે નાની માછલીઓના વિકાસ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે.

મંત્રી  પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, “પ્રમોશન ઓફ સસ્ટેનેઈબલ ફિશરીઝ એન્ડ લાઈવલીહુડ થ્રુ આર્ટિફિશિયલ રીફ” પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છને મળી કુલ સાત જિલ્લાના દરિયાકાંઠાથી આશરે 3 થી 7 નોટીકલ માઈલ દરિયાઈ વિસ્તારમાં 25 જેટલી આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત કરવામાં આવશે, જેનો રાજ્યના નાના માછીમારોને લાભ થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા સૂચિત કરાયેલા સ્પેસિફિકેશન મુજબ એક રીફમાં 250 મોડ્યુલનો સમાવેશ થશે. જેમાં એક મોડ્યુલની અંદાજીત કિંમત રૂ. 12,400 અને એક રીફની અંદાજિત કિંમત રૂ. 31 લાખ નક્કી કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યમાં કુલ રૂ. 775 લાખના ખર્ચે 25  આર્ટિફિશિયલ રીફની સ્થાપના થશે. જેમાં 60 ટકા ફાળો કેન્દ્ર સરકાર અને બાકીનો 40 ટકા ફાળો ગુજરાત સરકારનો રહેશે.

તેમણે કહ્યું કે, વર્ષ 2005-06માં ગુજરાતનું મત્સ્ય ઉત્પાદન 7.33 લાખ મે.ટન હતું, જે વધીને વર્ષ 2021-22માં 8.73  લાખ મે.ટન થયું હતું. સાથે જ ગુજરાતની મત્સ્ય નિકાસ લગભગ બમણી અને ગુજરાતનું વિદેશી હુંડીયામણ વર્ષ 2021-22  સુધીમાં આશરે પાંચ ગણું વધ્યું છે. આજે દેશના કુલ મત્સ્ય નિકાસના ગુજરાતનો હિસ્સો 17 ટકાથી વધુ છે. આર્ટિફિશિયલ રીફની સ્થાપનાથી આગામી સમયમાં ગુજરાતના મત્સ્ય ઉત્પાદન અને દેશના મત્સ્ય નિકાસમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે હશે, તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code