બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપનો આંચકોઃ 3.1ની તીવ્રતા નોંધાઈ
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2001માં કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ સરહદી જિલ્લા કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રાજસ્થાન પાસેના સરહદી વિસ્તારમાં આવેલા ગામની પ્રજા રાત્રિના સમયે નિંદર માણી રહી હતી. દરમિયાન વહેલી સવારે લગભગ 3.46 કલાકે ભૂકંપનો હળવો આંચકો આવતા લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા. તેમજ ઘરની બહાર દોડી ગયા હતા. સવારે 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 61 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના આ આંચકાથી સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બે દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે પણ પાલનપુરમાં સાંજનાં સમયે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દુર નોંધાયું હતું. ભૂકંપના આંચકા પાલનપુર સહિતનાં આસપાસના ગામડાઓમાં પણ અનુભવાયા હતા.


