કચ્છમાં ફરી એકવાર 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, દુધઈ નજીક નોંધાયુ કેન્દ્રબિંદુ
અમદાવાદઃ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં લગભગ 11.41 કલાકે ધરા ધ્રુજી હતી. તેનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું. જો કે, ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી. ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભુકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન સવારે 11.41 કલાકે ફરી એક ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિકટર સ્કેલ ઉપર 3.2ની તિવ્રતા નોંધાઈ હતી. ભુકંપનો આંચકો આવતા લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી ગયા હતા. જો કે, સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થયાનું જાણવા મળે છે. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો છે, તેમજ બે દાયકા પહેલા આવેલા ભૂકંપની યાદો તાજી થઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયાં હતા. વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ રાજ્યમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. જો કે, સૌથી વધારે આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના શહેરો અને નગરોમાં પણ અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. અગાઉ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં પેટાળમાંથી ભેદી ધડાકા સર્જાતા હતા. ડિજાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભૂગર્ભમાં થઈ રહેલી હિલચાલ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.