1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાની સૌથી જુની કાચની લાયબ્રેરીમાં 3.30 લાખ પુસ્તકોનો વારસો
વડોદરાની સૌથી જુની કાચની લાયબ્રેરીમાં 3.30 લાખ પુસ્તકોનો વારસો

વડોદરાની સૌથી જુની કાચની લાયબ્રેરીમાં 3.30 લાખ પુસ્તકોનો વારસો

0
Social Share

વડોદરાઃ ટીવી અને સોશ્યલ મીડિયાના જમાનામાં હવે નવી પેઠીમાં વાંચનનો ક્રેઝ ઘટતો જતો હોવાની ચર્ચા થતી રહેતી હોય છે. ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં અનેક લાયબ્રેરીઓ જોલા મળે છે. જેમાં વડોદરાની લાયબ્રેરીનો ઈતિહાસ અનોખો છે. વડોદરા શહેરની 111 વર્ષ જૂની ઇમારતમાં કાર્યરત સેન્ટ્રલ લાઇબ્રેરી મધ્ય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે. જેમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે. સેન્ટ્રલ લાઇબ્રેરી વર્ષો પહેલાથી કાચની લાઇબ્રેરી તરીકે જાણીતી છે. આજથી 111 વર્ષ પહેલાં લાઇબ્રેરીમાં કુદરતી પ્રકાશ આવે તે માટે સયાજીરાવે તેના પ્રથમ મજલાના ફ્લોરિંગના બાંધકામ માટે બેલ્જિયમથી મજબૂત કાચ મંગાવ્યા હતા, જે આજે પણ યથાવત્ છે. આ ભારતની પહેલી અને એક માત્ર લાઇબ્રેરી છે જેમા આ પ્રકારના કાચ વપરાયા છે. આ જ કારણસર લોકોમાં તે કાચની લાઇબ્રેરી તરીકે જાણીતી બની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સંપતરાવે પહેલીવાર 1906માં વડોદરામાં સરકારવાડાની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મધ્યવર્તી પુસ્કાલય શરૂ કર્યું હતું. તેમનો લાઇબ્રેરી માટેનો આગ્રહ અને પ્રયાસ નોંધપાત્ર હતા. તેથી મહારાજા સયાજીરાવ 1906માં અમેરિકા ગયા ત્યારે તેમણે ત્યાંથી લાઇબ્રેરી વ્યવસ્થાપનના જાણકાર બોર્ડનને વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું. જે તેમણે સ્વીકાર્યું. હાલની સેન્ટ્રલ લાઇબ્રેરીની ઇમારત બની ત્યારે તેના પ્રવેશદ્વાર પાછળ સંપતરાવ ગાયકવાડની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. ઘણા લોકો તેને સયાજીરાવની પ્રતિમા સમજે છે.’ આ લાઇબ્રેરી માટે સયાજીરાવે પોતાના ખાનગી કલેકશનમાંથી 20 હજાર પુસ્તકો દાનમાં આપ્યા હતા. જોકે શહેરમાં પહેલી લાઇબ્રેરી 1885માં કોઠી કંપાઉન્ડમાં રાજકુમાર જયસિંહના નામે શરૂ કરાઇ હતી, જે આજે પણ કાર્યરત છે.

વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં 5 ભાષાનાં 184 સામયિક આજે પણ મગાવાય છે. આ લાઇબ્રેરીમાં હાલમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે, જેમાંથી એક લાખથી વધુ પુસ્તકો ગુજરાતી ભાષામાં છે. આ ઉપરાંત હિન્દી, મરાઠી, અંગ્રેજી અને સિંધી ભાષાના 184 સામયિકો આવે છે. લાઇબ્રેરીમાં પુસ્તક આપ-લે, સંદર્ભ વિભાગ, મહિલા અને બાળકોના અલાયદા વિભાગો છે. જો કે એક સમય હતો કે લાઈબ્રેરીમાં ઉર્દૂ ભાષાના પણ પુસ્તકો હતા, જો કે આજે તેની સંખ્યા જૂજ છે. હાલમાં પણ ગુજરાતી ઉપરાંત હિન્દી અને મરાઠી ભાષાના વાચકો લાઈબ્રેરીમાં પુસ્તક માટે આવે છે. લાઈબ્રેરીના અધિકારીના જણાવ્યા મુજબ કોરોના સમયમાં વાચકોની સંખ્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછુ થયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રાત્રે 12 વાગ્યા સુધી વાંચે છે. હાલમાં કોરોનાને લીધે એ સુવિધા નથી.આગામી બે ત્રણ મહિનામાં 150 વિદ્યાર્થી અને એટલા જ મહિલા વાચકો ત્યાં બેસીને વાંચી શકશે. મહિલા વાચકો માટે અલાયદી વ્યવસ્થા કરાઇ રહી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code