
રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકવાદીઓએ મુસ્લિમ કારીગરોને અલકાયદામાં જોડવા પ્રેરણા આપી હતી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત એટીએસની ટીમે રાજકોટથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા મનાતા 3 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લધા હતા. આ આતંકવાદીઓની એટીએસ દ્વારા આગવીઢબે પૂછપરછ આરંભી છે. દરમિયાન એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ ત્રણેય આતંકવાદીઓ રાજકોટના સોની બજારમાં કામ કરતા મુસ્લિમ કારીગરોને નિશાન બનાવીને આતંકવાદી સંગઠન અલકાયદામાં જોડાવવા માટે પ્રેરિત કરતા હતા. આતંકવાદીઓની તપાસમાં બાંગ્લાદેશી મોડ્યુઅલનો પર્દાફાશ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ત્રણેય કથિત આતંકવાદીઓ રાજકોટના સોની બજારમાં કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં ત્રણેય પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ ત્રણેય શખ્સો પડોસી દેશ બાંગ્લાદેશ એક્ટિવ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા હોવાનું ખૂલ્યું હતું. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને દસ કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. એટીએસની ટીમે આ અંગે ત્રણેય આતંકવાદીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત એટીએસની ટીમે ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હતી. આ ઉપરાંત તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને કેટલા યુવાનોનું બ્રેઈનવોશ કર્યું છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ હથિયાર ક્યાંથી અનો કોની પાસેથી લાગ્યા હતા તેની પણ તપાસ શરૂ કરાઈ છે.