અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવા પાછળ વર્ષ 2024માં 315 કરોડનો ખર્ચ કરાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘેર ઘેરથી કચરો એકત્ર કરીને તેના નિકાલની કામગીરી કરવામાં આવે છે. નાગરિકો પાસેથી ઘરદીઠ ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબિનમાંથી એકત્ર કરવામાં આવે છે. કચરો ઉપાડવા પાછળ મ્યુનિ. દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે આ વર્ષે મ્યુનિ. દ્વારા કચરો ઉપાડવા માટે રૂપિયા 315 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં નવા વિસ્તાર ભળ્યા બાદ કચરો ઉપાડવાનો વાર્ષિક ખર્ચ વધીને રૂપિયા 315 કરોડ ઉપર પહોંચી ગયો છે. વર્ષ-2021માં મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં બોપલ,ઘુમા, કઠવાડા ઉપરાંત નાના ચિલોડા સહિતના વિસ્તાર સમાવવામા આવ્યા છે. શહેરમાંથી કચરો ઉપાડવા વર્ષ-2023માં રૂપિયા 240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચમાં રૂપિયા 75 કરોડનો વધારો થતા વર્ષ-2024માં કચરો ઉપાડવાનો ખર્ચ વધીને રૂપિયા 315 કરોડ થશે. દસ વર્ષ અગાઉ શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે મ્યુનિ.તંત્ર તરફથી રૂપિયા સો કરોડનો ખર્ચ કરવામાં આવતો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કચરો ઉપાડવા માટે ડોર ટુ ડોર અને સ્પોટ ટુ ડમ્પ પ્રોજેકટ સહિત અન્ય પ્રોજેકટથી કચરાનો નિકાલ કરવામાં આવી રહયો છે. શહેરીજનોને ભીનો અને સૂકો કચરો અલગ તારવવાની સમજ આપવા શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી ખાસ ઝૂંબેશ ચલાવવામા આવી રહી છે. વર્ષ-2023ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી શહેરના સાત ઝોનમાંથી વાર્ષિક સરેરાશ 89,707 મેટ્રીક ટન કચરો પેદા થઈ રહયો છે. દૈનિક સરેરાશ 2998 મેટ્રીક ટન કચરો પેદા થઈ રહયો છે. વર્ષ-2023 દરમિયાન ડોર ટુ ડોર અંતર્ગત શહેરમાંથી કચરો ઉપાડવા પાછળ રૂપિયા 240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ-2024માં આ ખર્ચમાં રૂપિયા 75 કરોડનો વધારો થતા કચરો ઉપાડવા માટે વર્ષ દરમિયાન કુલ રૂપિયા 315 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શહેરનો વિસ્તાર વધવાની સાથે શહેરમાં નવી સોસાયટીઓ અને બિલ્ડિંગ વધી રહયા છે. જેથી કચરો વધુ પેદા થઈ રહયો છે. ઉપરાંત શહેરીજનોની બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે ફુડ પેકેટ ખાવાની તથા ઓનલાઈન શોપિંગ કરવાની આદતથી પણ કચરાનું પ્રમાણ સતત વધી રહયું છે.
કચરાનું પ્રમાણ વધવાની સાથે ડોર ટુ ડોર પ્રોજેકટ અંતર્ગત કચરો ઉપાડવાના ખર્ચમાં પણ વધારો થઈ રહયો છે.