
- ગુજરાતના 20 જિલ્લાનો સમાવેશ
- ઉત્તરપ્રદેશ 56 જિલ્લાઓ શૈક્ષણિક રીતે
- લોકસભામાં શિક્ષણ મંત્રીએ રજૂ કર્યાં આંકડા
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાનો અને ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા અવાર-નવાર આક્ષેપ કરવામાં આવે છે. દરમિયાન લોકસબામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા શૈક્ષણિક રીતે પછાત જિલ્લાઓની આંકડામાં રાજ્યના 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત હોવાનું સામે આવ્યું છે. રાજ્યના લગભગ 20 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત હોવાનું શિક્ષણ મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું. આ આંકડો ઉત્તરપ્રદેશ કરતા પણ વધારે છે. ઉત્તરપ્રદેશના 56 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા લોકસભામાં આ જાણકારી આપવામાં આવી હતી. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની એક્સપર્ટ કમિટી દ્વારા દેશમાં કુલ 374 જિલ્લાઓને શૈક્ષણિક રીતે પછાત જિલ્લા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં 91 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. આ સિવાય મધ્યપ્રદેશમાં 75 ટકા, તમિલનાડુમાં 71 ટકા અને બિહારમાં 66 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. આ રીતે જોવા જઈએ તો, ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમાંકે આવે છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, મધ્ય ગુજરાતના દાહોદ, ખેડા અને પંચમહાલ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્નનગર જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, ડાંગ, સુરત, વલસાડ અને નર્મદા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે.
(PHOTO-FILE)