
ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે સમુદ્રકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે ત્રણથી ચાર ફુટ ઊંચા મોજા ફુંકાઈ રહ્યા છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં ઠંડીમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે વરસાદ થવાની શક્યતા છે. જેને કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. દરમિયાન સમુદ્રકાંઠા વિસ્તારમાં તેજ ગતિથી પવન ફુંકાઈ રહ્યો છે. અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠે 4થી 5 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, વિશાળ સમુદ્રમાં હેવી કરંટ જોવા મળી રહ્યો હોવાનું દરિયો ખેડતા સાગરખેડૂઓ જણાવી રહ્યાં છે.રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. તે પૂર્વે સૌથી વધુ અસર સમુદ્રી તટવર્તિય વિસ્તારોમાં જોવા મળી રહી છે. દરિયામાં હેવી કરંટ જોવા મળી રહ્યો છે, ભારે પવનને કારણે દરિયામાં ભારે ભરતી આવી છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન ઘટી શકે છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડી મહદઅંશે વધી શકે છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં વધારે ફરક જોવા મળશે નહીં જેથી તાપમાન યથાવત રહેશે. પરંતુ ત્રણ દિવસ બાદ એક ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડો થતાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે જેને કારણે ઠંડીનું જોર વધશે. તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે જેથી ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. આગામી દિવસોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે શિયાળો જામ્યો હોય તેવો માહોલ સર્જાશે.