
MS યુનિવર્સિટીમાં ઉંચા મેરિટને લીધે સ્થાનિક 5 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોબાળો
વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં કોમન એડમિશન પોર્ટલ દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જેના લીધે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાણિજ્ય પ્રવાહમાં પ્રવેશ માટે જનરલ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 75 ટકા પ્રવેશ અટકતા 5000 જેટલાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોબાળો મચી ગયો છે. અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ડીનનો ઘેરાવો કરાયો હતો. હેડ ઓફીસ પર રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને કોઇ ન મળતા આવેદનપત્ર સળગાવ્યું હતું.
વડાદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલને લીધે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફાંફા પડી રહ્યા છે. બીકોમમાં પ્રથમ યાદીમાં કુલ 5638 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો જેમાંથી સ્થાનિક 3880 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જયારે શહેર બહારના 1758 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. વડોદરામાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનું કટઓફ 75.86 ટકાએ અટકાવી દેવામાં આવતા અસંખ્ય વિદ્યાર્થીઓ કે જેમના માર્કસ 75 ટકાથી ઓછા છે તેવા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.
વડોદરા શહેર બહારના વિદ્યાર્થીઓમાં જનરલ કેટેગરીમાં મેરીટમાં 81.86 ટકા કટઓફ જાહેર કરાયું છે. વડોદરા શહેર-જિલ્લાના માત્ર 3880 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થી સંગઠન દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થી સંગઠનોએ એકત્રીત થઇને વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઇ પ્રમુખ અમર વાઘેલા, નીખીલ સોંલકી, સુઝાન લાડમેન, પંકજ જયસ્વાલે કોમર્સ ડીન કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કર્યો હતો. વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ જ પ્રવેશથી વંચિત રહી ગયા છે. જનરલ કેટેગરીમાં 75.86 ટકાએ અટકાવી દેવામાં આવી છે ત્યારે જનરલ કેટેગરીના 3 હજારથી વધારે વિદ્યાર્થીઓએ એમ.એસ.યુનિવર્સિટી સિવાય અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાનો વારો આવશે. વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે સરકારમાં રજૂઆત કરીને ફરીથી પ્રવેશ યાદી બહાર પાડવામાં આવે જેથી જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેમને પ્રવેશ મળી શકે, વિદ્યાર્થી આગેવાનો હેડ ઓફીસ ખાતે પણ રજૂઆતો કરવા ગયા હતા જોકે ત્યાં કોઇ અધિકારી રજૂઆતો સાંભળવા માટે હાજર ના હોવાથી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. કોઇ આવેદનપત્ર લેવા ના આવતા વિદ્યાર્થીઓએ તેની હોળી કરી હતી. (File photo)