
ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ અત્યાર સુધીમાં 5000 વ્યક્તિઓના મોત, 17000 લોકો ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજે 12માં દિવસે યુદ્ધ તેજ બન્યું છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 4976 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. જ્યારે 17775 વ્યક્તિઓના ઈજાગ્રસ્ત થયાં છે. આ યુદ્ધને પગલે દુનિયાના વિવિધ દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમેરિકા, યુકે અને ભારત સહિતના દેશોએ હમાસના આતંકવાદી કૃત્યની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. જ્યારે ઈરાન સહિતના ઈસ્લામિક દેશો હમાસના કૃત્યની નિંદા કરવાને બદલે ઈઝરાયલ ઉપર દોષારોપણ કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાયલ ઉપર તા. 7મી ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ ગણતરીની મિનિટમાં પાંચ હજાર જેટલા રોકેટ તાક્યાં હતા. આ ઉપરાંત હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ઘુસી ગયા હતા, તેમજ ગોળીબાર કરીને મહિલા અને બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. તેમજ 150 જેટલા વ્યક્તિઓનું અપહરણ કર્યું હતું. બીજી તરફ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લઈને ગાઝામાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. ઈઝરાયલના હુમલાને ઈરાન સહિતના મુસ્લિમ દેશોએ યુએનમાં રજુઆત કરાઈ છે.
ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓ કરેલા હુમલામાં 1402 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. જ્યારે 4475 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. જ્યારે ગાઝામાં અત્યાર સુધીમાં 3488 જેટલા વ્યક્તિઓના મૃત્યું થયાં છે. જ્યારે 12 હજાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત વેસ્ટ બેંકમાં 65 વ્યક્તોના મોત થયાં છે. તેમજ 1300 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. લેબનાનમાં યુદ્ધને પગલે 21 વ્યક્તિઓના મોત થયાં છે.