 
                                    અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા એક પખવાડિયાથી ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો, 564 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ સારવાર માટે આવતા ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાંના કેસોની સંખ્યા વધુ છે. આમ તાપમાનના વધારા સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે. જોકે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસ 1600ને પાર પહોંચ્યા હતા.ત્યારબાદ વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસ ઘટ્યા છે, પરંતુ તેની સામે ઝાડા-ઊલટી અને ટાઇફોડના કેસમાં વધારો થયો છે. આમ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા અને જશોદાનગર વિસ્તારમાં કોલેરાના એક-એક કેસો નોંધાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગોમાં માર્ચ મહિનામાં 17 દિવસમાં ઝાડા-ઊલટીના 336, જ્યારે ટાઇફોઇડના 153 અને કમળાના 57 જેટલાં કેસો નોંધાયા હતા. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના 10 અને મેલેરિયાના 9 કેસો નોંધાયા છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગો વધ્યા છે, ત્યાં પાણીના સેમ્પલ લેવાની અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન 2013 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 32 સેમ્પલ અનફિટ આવ્યા છે.
અમદાવાદ શહેરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેતા ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ખાણીપીણીના સ્ટોલસ દુકાનો પર મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઝાડા-ઊલટીના કેસ વધ્યા છે. પરંતુ માર્ચ મહિનાના પહેલા સપ્તાહની સરખામણીમાં બીજા સપ્તાહ દરમિયાન વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના કેસમાં ઘટાડો થયો છે. જેમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસ 1600ને પાર પહોંચ્યા હતા. જ્યારે ગત એક સપ્તાહ દરમિયાન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1448 કેસ નોંધાયાં હતાં. જ્યારે સ્વાઇન ફ્લૂના 8 દર્દીઓની તપાસમાંથી 2 દર્દીઓને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેંગ્યુના ગત એક સપ્તાહ દરમિયાન 90 સેમ્પલમાંથી 1 દર્દીને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના 266 અને ચિકનગુનિયાના 10 સેમ્પલમાંથી એકપણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. જ્યારે વાઇરલ હિપેટાઇટિસના 4 કેસ નોંધાયા હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

