
સુરેન્દ્રનગરમાં 6490 વાહનચાલકો E- મેમો અપાયા છતાંયે દંડ ભરતા નથી, હવે 44 લાખ વસુલાશે
સુરેન્દ્રનગરઃ શહેરમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારા સામે નજર રાખવામાં આવી રહી છે. અને ટ્રાફિકનો ભંગ કરતાં વાહનચાલકોને E-મેમો આપવામાં આવે છે. છતાં ઘણાબધા વાહનચાલકો દંડ ભરતા નથી. શહેરમાં એક વર્ષમાં જે વાહનચાલકોને E-મેમો અપાયા હતા તેમાંથી 6490 વાહનચાલકોએ નોટિસ આપવા છતાંયે દંડ ભર્યો નથી. આવા વાહનચાલકો પાસેથી રૂપિયા 44 લાખનો દંડ વસુલવાનો બાકી છે. જેના માટે 22મી જુને લાક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.
શહેરમાં ટ્રાફિક નિયમો ભંગ કરનારા સામે નેત્રમ ટીમ દ્વારા સીસીટીવી કેમેરાથી વોચ રખાય છે. આવા વાહન ચાલકોને ઇ-મેમો પાઠવી દંડ કરવામાં આવે છે. વર્ષમાં 6490 વાહનચાલકો ઇ-મેમા ન ભરતા હોવાનું જણાતા મેસેજ અને નોટિસો પાઠવી 22 જૂન રોજ લોક અદાલતમાં બાકી રહેતા મેમો ભરી જવા તાકીદ કરાઇ છે.
સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવનગર વિસ્તારમાં 57 સ્થળે પોલીસની નેત્રમ ટીમ દ્વારા 257 સીસીટીવીથી મોનિટરિંગ કરી ઇ-મેમા ઇશ્યૂ કરાયા છે. 22-6-24એ પ્રિલિટિગેશન લોક અદાલતનું આયોજન કરાયું છે.
જેમાં 6490 ઇ-મેમા પૈકી જે વાહનચાલકોના ઇ-મેમા દંડ આજ સુધી નથી ભર્યા તેવા ચાલકો સામે મેસેજ અને ઇ-ચલાણ મોકલી રૂ.45,00,700નો વસૂલી કરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના લોક અદાલતમાં ભરી જવા નોટિસ મોકલવામાં આવી છે. આથી જે વાહનચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમને તા.21-6-24 સુધીમાં નેત્રમ પોલીસ અધિક્ષક કચેરી જવાહર ગ્રાઉન્ડ સામે ,લીંબડી પોલીસ સ્ટેશન , ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ભરી શકાશે. આ ઉપરાંત https// echalllanpayment.gujarat.gov.in પર ઓનલાઇન ભરી શકાશે.