
ઉત્તરપ્રદેશમાં રેલી ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડી પર પલટી, 4 બાળકો સહિત 8ના મોત
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હરદોઈ જિલ્લાના મલ્લવાન કોતવાલી વિસ્તારમાં ઉન્નાવ રોડ પર એક રેતી ભરેલી ટ્રક નિયંત્રણ બહાર નીકળી ગઈ અને રસ્તાની બાજુની ઝૂંપડી પર પલટી ગઈ હતી. આ ઘટનામાં ઝૂંપડામાં સૂઈ રહેલા ચાર માસૂમ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. મૃતકોમાં દંપતી, તેમના ચાર બાળકો અને એક જમાઈનો સમાવેશ થાય છે. એક બાળકી પણ ઘાયલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મલ્લવાન શહેરમાં ઉન્નાવ રોડ પર ચુંગી નંબર 2 પાસે નાટ સમુદાયના લોકો રસ્તાની બાજુના ઝૂંપડાઓમાં રહે છે. મધરાત બાદ કાનપુરથી હરદોઈ જઈ રહેલી રેતી ભરેલી ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ અને અવધેશ ઉર્ફે બલ્લાની ઝૂંપડી પર પલટી ગઈ. આ અંગેની માહિતી મળતાં પોલીસે સ્થાનિક લોકો અને જેસીબીની મદદથી ટ્રકને સીધી કરીને રેતી કાઢી હતી. આ દૂર્ઘટનામાં અવધેશ ઉર્ફે બલ્લા (ઉ.વ. 45), તેની પત્ની સુધા ઉર્ફે મુંડી (ઉ.વ. 42), પુત્રી સુનૈના (ઉ.વ. 11) , લલ્લા (ઉ.વ. 5), બુદ્ધુ (ઉ.વ. 4), હીરો (ઉ.વ. 22), તેનો પતિ કરણ (ઉ.વ. 25), તેની પુત્રી કોમલ ઉર્ફે બિહારી (ઉ.વ. 5)નું મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં અવધેશની પુત્રી બિટ્ટુને ઈજા થઈ હતી. તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મલ્લવનમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે બિલગ્રામ કોતવાલી વિસ્તારના છિબ્રામાઉના રહેવાસી ટ્રક ડ્રાઈવર અવધેશ અને હેલ્પર સિટી કોતવાલી વિસ્તારના અનંગ બેહટાના રહેવાસી રોહિતને કસ્ટડીમાં લીધા છે. આ બનાવની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટના સ્થળે ભારે ભીડ અને મશીનોની મદદથી બચાવ કામગીરીને કારણે લગભગ ત્રણ કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામ રહ્યો હતો. ઉન્નાવ તરફથી આવતા વાહનોને એક મુખ્ય આંતરછેદ પર બેરિકેડ કરવામાં આવ્યા હતા અને સંદિલા મહેંદીઘાટ તરફ વાળવામાં આવ્યા હતા. હરદોઈ તરફથી આવતા વાહનોને સ્થળના એક કિલોમીટર પહેલા અટકાવી દેવામાં આવ્યા હતા. ટ્રકને હટાવ્યા બાદ લગભગ ત્રણ કલાક બાદ ટ્રાફિક સામાન્ય થઈ ગયો હતો.