
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ જવાનોને ભારતીય રાજદૂત મળ્યા
નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ મરીનના મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર સમગ્ર મામલા ઉપર નજર રાખી રહ્યું છે. ભારતીય રાજદૂત તમામ 8 પૂર્વ જવાનોને મળ્યા છે. બીજી તરફ મોતની સજાના આદેશ સામે અપીલ બાદ આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં બે સુનાવણી થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “કતારમાં આઠ ભૂતપૂર્વ મરીનને આપવામાં આવેલી મૃત્યુદંડના કેસમાં અમારી અપીલ પર બે સુનાવણી હાથ ધરવામાં આવી છે. અમે આ બાબત પર નજર રાખી રહ્યા છીએ અને તમામ કાયદાકીય સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમારા રાજદૂતે રવિવારે જેલમાં રહેલા આઠ લોકોને મળવા માટે કોન્સ્યુલર એક્સેસ મળ્યો હતો. આ એક સંવેદનશીલ મામલો છે, પરંતુ અમે જે કરી શકીએ તે કરીશું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે તમે જોયું જ હશે કે COP28 ની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. જેમાં પીએમ મોદી અને બિન હમદ અલ-થાની વચ્ચે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને કતારમાં રહેતા ભારતીય સમુદાયના કલ્યાણને લઈને ચર્ચા થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દુબઈમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા પીએમ મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચેની મુલાકાતમાં પીએમ મોદીએ પૂર્વ જવાનોના મૃત્યુદંડની રજા પામેલા 8 પૂર્વ જવાનો મામલે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.