
રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે
અમદાવાદઃ વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-3ની વનરક્ષક(બીટગાર્ડ)ની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે અઆશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.
મંત્રીએ ઉમેર્યું કે,વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-3ની કુલ–823 જગ્યાઓ સીધી ભરતીથી કરાશે આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા. 1લી નવેમ્બરથી 15મી નવેમ્બસ સુધીની રહેશે.
આ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.
તેમણે ઉમેર્યું કે,ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.