
ગુજરાતમાં ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થા અને યુનિ.ઓના હિસાબી ઓડિટમાં 98.60 કરોડની ગેરરીતિ પકડાઈ
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક હિસાબી ભંડોળ પાસે રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના 2001થી 2019 સુધીના હિસાબોનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલી સરકારી યુનિવર્સિટી અને 14 અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના ઓડિટમાં 98.60 કરોડના હિસાબી અનિયમિતતા મળી આવી હતી, જે સરકારી યુનિવર્સિટીઓમાં હિસાબી અનિયમિતતા જોવા મળી છે. કે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2013-14 થી 2014-15 દરમિયાનમાં કુલ રૂ.13,35,37,000ની હિસાબી અનિયમિતતાની નોંધ કરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી(HNGU)માં 44 ઓડિટ પેરામાં રૂ.34.91 કરોડના ઓડિટ પેરા નીકળ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને ખુલાશો કરવાની તાકીદ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ યુનિવર્સિટીને રૂ.19,98,74,561, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને રૂ.2,80,70,400, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂ.24,49,87,712, ધરમસિંહ દેસાઇયુનિ.ને રૂ.1,59,62,300, ભાવનગર યુનિ.ને રૂ.1,97,68,000, એમ.એસ.યુનિ.ને રૂ.6,21,24,157, એચએનજીયુને રૂ.34,81,00,830, આઇઆઇટીઇને રૂ.14,46,000 અને ચિલ્ડ્રન યુનિ.ને રૂ.86,36,546ના હિસાબોની અનિયમિતતા અંગે ખુલાસા પુછાયા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2001થી 2019 સુધીના ઓડિટ શાખાનો રિપોર્ટ તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને મોકલી તેમના ખુલાસા પૂછવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2010-11થી 2012-13 અને 2013-14થી 2014-15ના ઓડિટમાં કુલ 16 ઓડિટ પેરામાં રૂ.24,49,87,712ના હિસાબોની અનિયમિતતા જોવા મળી હતી. જેમાં 2013થી 2015 દરમિયાનમાં સેન્ટર ઓફ એક્સેલન્સની ગ્રાન્ટના ઉપયોગમાં સુસ્તતા, રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને લાભ આપવામાં નિષ્ફળતા અને ઇન્ડોર સ્ટેડિયમના બાંધકામમાં અનિયમિતતા, કોન્ટ્રાક્ટરને ખોટી રીતે વધુ મુદત આપવી, લીવ એન્કેશમેન્ટમાં વધુ ચૂકવણું, હોસ્ટેલ બિલ્ડિંગના બાધકામમાં વિલંબ, એડવાન્સ ચૂકવણા સહિતના વાંધા કાઢવામાં આવ્યા હતા. સૌથી વધુ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હિસાબોમાં અનિયમિતતા અંગેના વાંધા નીકળતા ખૂલાશો માગવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારના કહેવા મુજબ આ કોઇ કૌભાંડ નથી પરંતુ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓએ ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ કર્યા ન હોય તેના માટે તે ક્યા વપરાવી જોઇએ તેના વાંધા છે. જે અંગે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાનિક હિસાબી ભંડોળને જવાબ કરી દીધો છે, પરંતુ હવે સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરને ફરી રિપોર્ટ થતા તેઓએ જવાબ માગ્યો છે. તેનો ખુલાશો કરવામાં આવશે.