
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003માં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયક અનુસાર ખોટી ઓળખ આપી અથવા લોભલાલચ આપીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરનારને આકરી સજા થશે. એટલું જ નહીં આરોપીને મદદ કરનારને પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ઉ.પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદો રજુ કરતા ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનીયમ 2003 માં સુધારા કરવામાં આવ્યા હતા તેમાં કોઇપણ કન્યાં કે મહિલાને લોભ લાલચ આપી તથા બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવી શકાશે નહીં. આ પ્રકારે લગ્ન કરનાર અથવા લગ્ન કરાવનારને દોષી ગણવામાં આવશે. તેમજ 3 વર્ષથી ઓછી નહીં અને 5 વર્ષ સુધીની સજા તથા રૂ. બે લાખનો દંડ પણ કરવામાં આવશે. જયારે આ પ્રકારના કૃત્યોમાં જો કન્યા સગીર હોય અથવા તો મહિલા અનસુચિત જાતી, જનજાતિ કે આદી જાતીની હોય તો તેમા સજા ઓછામાં ઓછી 4 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ તથા દંડ ઓછામાં ઓછો રૂ. 3 લાખ કરવામાં આવશે. તેમજ ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરવામાં આવે તો આ પ્રકારના લગ્ન ફેમીલી કોર્ટ રદબાતલ કરી શકશે. આ ઉપરાંત લવજેહાદની ઘટનામાં સંડોવાયેલી સંસ્થાઓના હોદ્દેદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમને કોઈ પણ ગ્રાન્ટ કે સહાય આપવામાં આવશે નહીં.
આ ખરડામાં મહત્વની જોગવાઇ મુજબ જે કાંઇ ધર્મપરિવર્તન કે લગ્ન બળજબરીથી થયા નથી અથવા તો કોઇ લાલચ કે કપટનો માર્ગ લેવામાં આવ્યો નથી તે સાબીત કરવાની જવાબદારી જે તે આરોપી પર રહેશે. આ પ્રકારનો અપરાધ બીનજામીન રહેશે.