18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવા માટે મુખ્યપ્રધાને આપ્યો આદેશ
અમદાવાદઃ 1લી મે 2021થી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારને તેના માટે તૈયારી કરવા માટે આદેશ આપ્યો છે. મુખ્યપ્રધાનએ કહ્યું છે કે ‘કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે.’
વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનેશન અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે. સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11,403 દર્દીઓ નોંધાયા છે અને 4179 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,51,192 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 89,59,960 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 14,79,244 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,04,39,204 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

