
અમદાવાદમાં પોલીસના ઘર પણ સલામત નથીઃ ACPના ઘરમાં તસ્કરોએ કર્યો રૂ. 13.90 લાખનો હાથફેરો
અમદાવાદઃ શહેરમાં ફરજ બજાવતા એસીપી ( આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ)ના ઘરે ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો છે. તેમના પત્ની દ્વારકા દર્શને ગયા હતા અને તેઓ ડ્યૂટી પર હતા ત્યારે ચોરીનો બનાવ બન્યો હતો. વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં રહેતા પોલીસ અધિકારીના ઘરે 1 જૂને ચોરી થઈ હતી.ચોરી કરનાર ઘરમાંથી અલગ-અલગ સોનાના દાગીના, રોકડ રકમ અને જર્મન સિલ્વરના ગ્લાસ એમ કુલ મળીને રૂ. 13,90,500ની ચોરી થઈ છે. ચોરીની અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે, જેના આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં એચ ડિવિઝન ACP તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતિના પત્ની લત્તાબેન પ્રજાપતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહતમાં ડી ટાઇપ ટાવરમાં રહે છે. ગત 31 મેએ દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા અને 1 જૂને રાતે 10:30 વાગ્યે તેમના પતિનો તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી થઈ છે, જેથી તેઓ દ્વારકાથી પરત આવી ગયા હતા.ઘરે આવ્યા ત્યારે તેમના પતિએ જણાવ્યું હતું કે, 1 જૂને તે ઘરનો લાકડાનો દરવાજાનો હડો બંધ કરીને સેફ્ટી દરવાજાને લોક મારીને નોકરી પર ગયા હતા અને રાતે 10 વાગ્યે નોકરીથી પરત આવ્યા ત્યારે ઘરની સેફ્ટી દરવાજો ખુલ્લો હતો. જેથી અંદર આવીને જોયું ત્યારે ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
ઘરના હોલમાં શેટી પલંગની અંદર બેગ જેમાં રોકડ રૂપિયા અને દાગીના હતા. બેડરૂમમાં બેડની અંદર નાના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના તથા રોકડ અને લાકડાંના કબાટમાં જર્મન સિલ્વરના ગ્લાસની ચોરી થઈ હતી. 6,50,000 રૂપિયા રોકડા અને દાગીના સહિત કુલ 13,90,500 રૂપિયાની ચોરી થઈ હતી. ચોરી અંગે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન સામે આવેલી સરકારી વસાહતમાં અનેક અધિકારીઓ રહે છે, ત્યારે શહેરમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવાના અધિકારીના ઘરે જ ચોરી થતાં અનેક સવાલ થઈ રહ્યા છે. અત્યારે પોલીસ દ્વારા દિવસ-રાત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં અને અધિકારીના ઘરે જ ચોરી થતાં વસ્ત્રાપુર પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.