
ટ્વિટરની મોટી ભૂલ, ભારતના નક્શામાંથી જમ્મુ-કાશ્મીરને જ કરી દીધું ગાયબ
- ટ્વિટરની મોટી ભૂલ
- દેશનું અપમાન થાય તેવુ ભર્યું પગલું
- જમ્મુ કાશ્મીરને ભારતના નક્શામાંથી કર્યું ગાયબ
દિલ્લી: છેલ્લા કેટલાક સમયથી સરકાર અને ટ્વિટર આમને સામને આવી ગયા હોય તેવુ લાગી રહ્યું છે. આવામાં ટ્વિટર દ્વારા એક એવી ભૂલ કરવામાં આવી છે જે કરોડો દેશવાસીઓનું દિલ દુભાવી શકે છે અને દેશના અપમાન બરાબર પણ છે.
આજે ટ્વિટર દ્વારા વધુ એક અવળચંડાઈ કરવામાં આવી છે. ટ્વિટર દ્વારા ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને દૂર કરી દીધા છે. ટ્વિટરે આ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને નકશામાં અલગ દેશ ગણાવ્યા છે. ભારત સાથે છેલ્લા ઘણા સમયથી ટ્વિટરનો વિવાદ ચાલી રહ્યો છે.
ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. ત્યારે ટ્વિટરે પોતાના નિયમો પર ચાલવાની વાત કરી હતી.
ત્યારે આજે ફરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવાદમાં આવ્યું છે. ટ્વિટરની વેબસાઈટ ઉપર જમ્મુ કાશ્મીર લદ્દાખને અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ભારત સરકાર ટ્વિટરની આ હરકતના પગલે કાર્યવાહી કરી શકે છે.
જો કે જાણકારોના મત અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે વર્ષોથી સરકાર કામ કરી રહી છે અને જરૂર પગલા ભરી રહી છે પણ ટ્વિટરનું આ પ્રકારનું પગલુ જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકોને અલગ રીતે ભડકાવી શકે છે અને તે ભારત સરકાર માટે મુશ્કેલી પણ વધારી શકે તેમ છે.