
- જનતાને મોંધવારીનો માર
- અમૂલ દૂધના ભાવમાં વધારો
- 2 રૂપિયાનો થયો વધારો
અમદાવાદ : કોરોનાની બીજી લહેરથી લોકોને આમ તો શાંતિ મળી છે. હવે પહેલા જેવા કેસ નથી આવી રહ્યા પણ હજુ પણ કેટલીક એવી મુશ્કેલીઓ તો ઉભીને ઉભી જ છે જેનાથી સામાન્ય જનતા હેરાન-પરેશાન છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તો લોકો માટે ચિંતાનો વિષય છે જ પણ હવે અમૂલના દૂધના ભાવમાં પણ વધારો થયો છે.
તેલ અને શાકભાજીના ભાવોમાં પણ ભડકો છે. આ વચ્ચે સામાન્ય જનતા માટે વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલે પોતાની તમામ બ્રાન્ડના દૂધમાં 2 રૂપિયાનો ભાવવધારો કર્યો છે.
હાલ કોરોના કાળમાં સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો ઐતિહાસિક સપાટીએ છે. અમદાવાદમાં 95 રૂપિયાથી પણ વધારે લિટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે.
કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ પણ જતી રહી છે અને પહેલાં કરતાં ઓછી કમાણી થઈ રહી છે. આ વચ્ચે ઓછી આવકમાં ઘર ચલાવવું પડી રહ્યું છે. તેવામાં ઘરમાં સૌથી આવશ્યક વસ્તુ એવી દૂધના ભાવમાં અમૂલે 2 રૂપિયાનો વધારો કરતાં સામાન્ય લોકોની હાલત કફોડી બની જશે. અમૂલે તમામ બ્રાન્ડના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો કરતાં હવે અમૂલ ગોલ્ડ પ્રતિ લિટર હવે રૂ.58માં મળશે, અમૂલ તાજા પ્રતિ લિટર હવે રૂ.46માં મળશે, અને અમૂલ શક્તિ પ્રતિ લિટર હવે રૂ.52માં મળશે.
અમૂલ દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો આવતીકાલથી જ અમલી બનશે. જો કે જાણકારોના અનુસાર ભાવ વધવા પાછળનું કારણ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પણ હોઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સ્પોર્ટેશન પણ વધારે મોંઘુ થયું છે અને તેના કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યા છે.