
અમદાવાદમાં ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં રિક્ષા ઊભી રાખવા અને પાર્કિંગનો પ્રંતિબંધ
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક વિભાગનો હવાલો સંભાળતા જોઈન્ટ સીપીએ કવાયત હાથ ધરી છે. ચાર રસ્તાઓ પર ડાબી બાજુ વળવા માટે ખાસ બેરીકેટ લગાવાયા બાદ હવે ચાર રસ્તાઓ પર ઊભી રહેતી રિક્ષાઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રિક્ષાચાલકો પેસેન્જરને બેસાડવા-ઉતારવા માટે ચાર રસ્તા પર ગમે ત્યાં રિક્ષા ઉભી કરી દે છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જો કે રિક્ષાચાલકોનું આ દૂષણ દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે ચાર રસ્તા પર 50 મીટરની અંદર રિક્ષા ઉભી રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં જો કોઇ રિક્ષાચાલક ચાર રસ્તાના 50 મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.
ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે રિક્ષાચાલકના 6 યુનિયનના આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં રસ્તા પર ફરતી 2.25 લાખ રિક્ષામાંથી મોટા ભાગના રિક્ષાચાલકો પેસેન્જરોને બેસાડવા-ઉતારવા માટે રિક્ષા ચાર રસ્તા પર જ ઉભી રાખી દેતા હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. રિક્ષાચાલકોની આ હરકતના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં કોઇપણ રિક્ષાચાલકને રિક્ષા ઉભી રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં રિક્ષાચાલક ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં રિક્ષા ઉભી રાખશે તો ટ્રાફિક પોલીસ તે રિક્ષા ડિટેઈન કરશે. રિક્ષાચાલકોના તમામ યુનિયનના આગેવાનો ટ્રાફિક પોલીસના આ નિર્ણય સાથે સહમત થયા હતા. 2.25 લાખ રિક્ષાની વચ્ચે 40 હજાર રિક્ષા પાર્ક થઇ શકે તેવા પાર્કિંગની વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરાઇ હોવાનો દાવો ટ્રાફિક પોલીસે કર્યો હતો. જો કે તેની સામે રિક્ષાચાલક યુનિયનના આગેવાનોનું કહેવું છે કે પાર્કિંગ બહુ જ ઓછા છે, જેના કારણે રિક્ષાચાલકોને રોડ પર રિક્ષા પાર્ક કરવી પડે છે. યોગ્ય જગ્યાએ પાર્કિંગ ફાળવવામાં આવે તો રિક્ષાચાલકો રોડ પર રિક્ષા પાર્ક કરશે નહીં. શહેરમાં ફરતી 2.25 લાખ રિક્ષામાંથી 40 ટકા રિક્ષા શટલમાં ફરતી હોવાનું ઓટોરિક્ષા વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ રાજ શિર્કેએ જણાવ્યું હતુ. શટલ રિક્ષાચાલકો ગમે તે જગ્યાએથી પેસેન્જરને બેસાડે છે અને તે કહે ત્યાં ઉતારી દે છે. જેથી ટ્રાફિકની સમસ્યા માટે શટલ રિક્ષાચાલકો જવાબદાર છે.