
જો ભારતીય સેના ના હોત તો કાશ્મીરમાં પણ અફઘાનિસ્તાનની જેવી સ્થિતિ હોત: બ્રિટિશ સાંસદ
- બ્રિટનની સંસદમાં પણ કાશ્મીર અંગે થઇ ચર્ચા
- ભારતીય સેના ના હોત તો કાશ્મીરમાં પણ તાલિબાન શાસન જેવી સ્થિતિ હોત: બ્રિટિશ સાંસદ
- જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી તો અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ લોકતંત્રનો ખાતમો થઇ જશે
નવી દિલ્હી: કાશ્મીર અંગે બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ હતી. બ્રિટનની સંસદમાં ચર્ચા સત્ર દરમિયાન સાંસદ બોબ બ્લેકમેને ચેતવણી આપી હતી કે, જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી તો અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ લોકતંત્રનો ખાતમો થઇ જશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટનની સંસદના નીચલા ગૃહમાં કાશ્મીર પર ચર્ચા દરમિયાન બોબે કહ્યું હતું કે, આપણે જોયું કે અફઘાનિસ્તાનમાં શું થયું. જો ભારતીય સેના હટી જાય તો જમ્મૂ કાશ્મીરના લોકોની પણ એ જ હાલત થશે જે અફઘાનિસ્તાનમાં લોકશાહીના ખાતમા બાદ ત્યાંના લોકોની થઇ છે.
હાઉસ ઓફ કોમન્સમાં સાંસદ ડેબી અબ્રાહમ અને પાકિસ્તાની મૂળની સાંસદ યાસ્મીન કુરેશીએ કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ પર ચર્ચા શરૂ કરી હતી. જેમાં સાંસદ બોબ બ્લોકમેને રોકડુ પરખાવ્યુ હતુ કે, ભારતીય સેનાની મજબૂતીના કારણે અત્યાર સુધી જમ્મુ કાશ્મીર તાલિબાન બનતા અટક્યુ છે. જમ્મુ કાશ્મીર ભારતનો કાનૂની રીતે અભિન્ન હિસ્સો છે.
બ્રિટનની સંસદમાં કાશ્મીરના માનવાધિકારીના મુદ્દે ચર્ચા પર ભારતે પ્રતિક્રિયા આપી છે કે, કાશ્મીર પર કોઇ દાવો કરતા પહેલા તેના સંબંધિત તથ્યોને પ્રમાણિત કરવામાં આવે.
આ પ્રસ્તાવ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સાસંદો દ્વારા મુકવામાં આવ્યો હતો. જેમાં બ્રિટિશ સરકારના મંત્રી અમાન્ડા મિલિંગે સ્પષ્ટ કર્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાની કાશ્મીરી લોકોની ઈચ્છા પ્રમાણે ઉકેલ લાવવો પડશે. બ્રિટનની જવાબદારી તેમાં મધ્યસ્થી કરવાની નથી.