વીજ વિતરણ કંપનીઓએ પાવર એક્સચેન્જમાં વીજળી વેચવી ન જોઈએઃ વીજ મંત્રાલય
દિલ્હીઃ દેશમાં વીજળીની અછતના કારણે અનેક રાજ્યોમાં વીજમાં કાપની માહિતી સામે આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તમામ લોકોને વીજળીનો પુરતો પુરવઠો મલી રહે તે દિશામાં કામગીરી કરી છે. દરમિયાન વીજ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક રાજ્યો તેમના ગ્રાહકોને વીજ પુરવઠો આપી રહ્યા નથી અને વીજળીની કપાત કરી રહ્યા છે. તે જ સમયે, તેઓ પાવર એક્સચેન્જમાં પણ ઉંચી કિંમતે વીજળી વેચી રહ્યા છે.
વીજળીની ફાળવણી માટેની માર્ગદર્શિકા મુજબ, સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશનો (સીજીએસ)માંથી 15 ટકા વીજળી “અનલોકેટેડ પાવર” હેઠળ રાખવામાં આવે છે જે ગ્રાહકોની વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરિયાતમંદ રાજ્યોને ફાળવવામાં આવે છે.
ગ્રાહકોને વીજ પુરવઠો આપવાની જવાબદારી વિતરણ કંપનીઓની છે અને તેઓએ પહેલા તેમના ગ્રાહકોને સેવા આપવી જોઈએ જેમને 24×7 વીજળી મેળવવાનો અધિકાર છે. આમ, વિતરણ કંપનીઓએ પાવર એક્સચેન્જમાં વીજળી વેચવી ન જોઈએ અને તેના પોતાના ગ્રાહકોને તેનાથી વંચિત ન રાખવા જોઈએ. તેઓ રાજ્યના ગ્રાહકોને વીજળી પુરી પાડવા માટે અનલોકટેડ વીજળીનો ઉપયોગ કરે. વધારાની વીજળીના કિસ્સામાં, રાજ્યોને ભારત સરકારને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી આ શક્તિ અન્ય જરૂરિયાતમંદ રાજ્યને ફરીથી ફાળવી શકાય.
જો એવું જણાય કે કોઈ પણ રાજ્ય તેમના ગ્રાહકોને સેવા આપતા નથી અને પાવર એક્સચેન્જોમાં ઊંચા દરે વીજળી વેચી રહ્યા છે, તો આવા રાજ્યોની અનલોકેટેડ પાવર પાછી ખેંચી લેવામાં આવશે અને અન્ય જરૂરિયાતમંદ રાજ્યોને ફાળવવામાં આવશે.


