પશ્ચિમ બંગાળમાં કોરોનાનું સંક્રમણ વકર્યું : સોનારપુરમાં 3 દિવસનું લોકડાઉન
દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, દેશના કેટલાક વિસતારોમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના સોનાપુર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જીવન જરૂરી વસ્તુઓ મળી શકશે.
દૂર્ગા પૂજા બાદ બંગાળમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. આઈસીએમઆર તરફથી પણ બંગાળ સરકારને કોરોનાના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં આઈસીએમઆરએ કહ્યું હતું કે, દૂર્ગા પૂજા બાદ કોલકતામાં કોરોનાના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. કોલકતા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ કોવિડના કેસ વધી રહ્યાં છે. કોલકત્તા નજીક સોનારપુર વિસ્તારમાં અત્યાર સુધાં 19 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયાં છે. તેમજ અહીં કોરોનાનુ સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ 3 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બંગાળમાં એક જ દિવસમાં કોરોનાના 806 નવા કેસ સામે આવ્યાં હતા અને 15 દર્દીના મોત થયાં હતા. બંગાળમાં અત્યાર સુધીમાં કોરોનાના લગભગ16 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જે પૈકી 19081 દર્દીઓના મોત થયાં હતા.
(Photo-File)