
UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવ અને “AAP”ના સંજ્યસિંહ વચ્ચે બંધ બારણે બેઠક
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને આરજેડી વચ્ચે ગઠબંધન થયું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. દરમિયાન આપના સંજયસિંહ અને અખિલેશ યાદવ વચ્ચે બંધ બારણે મળેલી બેઠકને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે. સપા અને આપ વચ્ચે ગઠબંધન થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહ અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે લખનૌના લોહિયા ટ્રસ્ટમાં લગભગ 30 મિનિટ બેઠક મળી હતી. બંને વચ્ચે રાજકીય પરિસ્થિતિ અને ગઠબંધનને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. બેઠક બાદ સંજ્યસિંહએ કહ્યું હતું કે, આ એક વ્યક્તિગત મુલાકાત હતી. ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થાનિ સ્થિતિ પડી ભાગી છે. અખિલેશ યાદવને મળીને ભાજપ સામેની રણનીતિ ઉપર ચર્ચા થઈ છે. જો કે, સપા સાથે મળીને ચૂંટણી લડવા મુદ્દે કોઈ વાત થઈ નથી. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર બંને નેતા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનને લઈને ચર્ચા થઈ હતી. પરંતુ હજુ સુધી બેઠકોને લઈને કોઈ નિર્ણય નથી કરાયો. સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ છે. પરંતુ ગઠબંધનને લઈને કોઈ ચર્ચા કરાઈ નથી.
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને સપા અને રાલોદ વચ્ચે ગઠબંધન થયું છે. જો કે, સીટોને લઈને તેમની વચ્ચે મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી છે.