 
                                    - આજે સંવિધાન દિવસ પર પીએમ મોદીનું સંબોધન
- આપણું બંધારણ આપણા વૈવિધ્યસભર દેશને બાંધે છે
- આપણું બંધારણ હજારો વર્ષની મહાન પરંપરા છે
નવી દિલ્હી: આજે સંવિધાન દિવસ છે ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આજનો દિવસ બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવી દીર્ઘદ્રષ્ટિ ધરાવતી મહાન હસ્તીઓને શ્રદ્વાંજલિ આપવાનો દિવસ છે. આજે આ ઘરને વંદન કરવાનો દિવસ છે.
આજે સંવિધાન દિવસ ઉપરાંત 26/11 મુંબઇ હુમલાની પણ વરસી હોવાથી પીએમ મોદીએ આ દુ:ખદ ક્ષણોને યાદ કરતા કહ્યું હતું કે, આપણા માટે એક દુ:ખદ દિવસ છે. જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંતર આવીને મુંબઇમાં આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ભારતના અનેક જાબાંઝ જવાનોએ આતંકીઓ સામે લડીને શહાદત પામ્યા હતા. હું પણ આજે 26/11ના રોજ તે તમામ બલિદાન આપનારાઓને આદરપૂર્વક નમન કરું છું.
બંધારણ દિવસ પર વાત કરતા કહ્યું કે, સારું હોત કે આઝાદી બાદ 26 નવેમ્બરે જ દર વખતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હોત, જેથી એ જાણી શકાય કે બંધારણ કેવી રીતે બન્યું. આપણું બંધારણ આપણા વૈવિધ્યસભર દેશને બાંધે છે. ઘણા પડકારો, અવરોધો પછી, તેનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને દેશના રજવાડાઓને એક કર્યા. આપણું બંધારણ માત્ર અનેક ધારાઓનો સંગ્રહ નથી, આપણું બંધારણ હજારો વર્ષની મહાન પરંપરા છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણ માત્ર કાયદાકીય માર્ગદર્શનની વ્યવસ્થા પુરતું મર્યાદિત નથી પરંતુ તે સામાજિક-આર્થિક પરિવર્તનનો દસ્તાવેજ પણ છે. હું બંધારણ ઘડનાર મહાન સંવિધાન પુરૂષોને નમન કરું છું.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

