
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 16.5 લાખ ઘરોમાં કચરા માટે બે ડસ્ટબિન આપવામાં આવશે. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરના બજેટમાંથી આ ડસ્ટબિન ખરીદાશે. જે નાગરિકોએ ટેક્સ ભર્યો હશે, તેમને જ આ ડસ્ટબિન અપાશે. શહેરમાં 116થી 758 જેટલી કિંમતના અલગ અલગ સાઇઝના ડસ્ટબિન આપવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ શહેરમાં 16.5 લાખ ઘરોમાં બે ડસ્ટબિન આપવાનો નિર્ણય તાજેતરમાં મળેલી મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો હતો. શહેરના મેયરે જણાવ્યું હતું કે, નાગરિકો ભીનો-સૂકો કચરો અલગ અલગ આપી શકે તે માટે તમામ રહેણાકના મકાનોમાં મ્યુનિ. દ્વારા મફતમાં બે ડસ્ટબિન આપવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકોએ ભીનો-સૂકો કચરો અલગ કરીને આપવો તે તેમની નૈતિક જવાબદારી છે. એટલું જ નહીં પણ જાહેર રસ્તા પર પણ કોઇ જગ્યાએ કચરો ન ફેંકાય તે પણ આવશ્યક છે.
સૂત્રોના જણાવ્યા મજબ મ્યુનિ.એ કચરો અલગ રહે તે માટે કરેલા પ્રયાસો સફળ થયા નથી. અગાઉ મ્યુનિ. કમિશનરે જાહેરાત કરી હતી કે, જો તમે કચરો અલગ નહીં પાડો તો મ્યુનિ.ની ગાડીઓ કચરો લઇ જશે નહીં. તેમ છતાં પણ કોઇ પરિણામ આવ્યું ન હતું. મ્યુનિ.એ અગાઉ 5.5 લાખ જેટલા ડસ્ટબિન પણ વહેંચ્યા હતા છતાં કોઇ પરિણામ આવ્યું ન હતું. અનેક ઘરમાં તો આ ડસ્ટબિન પહોંચી શક્યા પણ ન હતાં. અમદાવાદ શહેર 40 લાખની વસ્તીવાળા મેટ્રો શહેરોમાં સફાઇમાં પ્રથમક્રમે રહ્યું છે, પ્રથમ નંબરે આવેલું ઇન્દોર શહેર પણ રોજના માત્ર 1500 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરે છે, જ્યારે શહેરમાં રોજના 5 હજાર મેટ્રિક ટન કચરાનો નિકાલ થાય છે. છેલ્લા કેટલાક સમયમાં પીરાણાથી જ મ્યુનિ.એ 45 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી 21 લાખ ચો.મી. જગ્યા ખુલ્લી કરી છે. ત્યારે શહેરને મળેલો પ્રથમ નંબર આપણાં માટે ગૌરવની બાબત છે.