 
                                    ગુજરાતમાં 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાશે, સરપંચ માટે 2700થી વધુ ઉમેદવારો મેદાનમાં
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી તા. 19મી ડીસેમ્બરે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. જ્યારે તંત્ર દ્વારા પણ મતદાનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી તા. 19મી ડિસેમ્બરે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જ્યારે 53,507 સભ્યો ચૂંટવા માટે 1,19.998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. 8684 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,82,15,013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93,69,202 પુરુષ મતદાર છે જ્યારે 88,45,811 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કુલ 23,907 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. જેમાં 6656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા છે. તા. 19મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 8664 ગ્રામ પંચાયતોમાં કુલ 51 ,747 પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત જાળવશે. મતદાન પ્રક્રિયા માટે 2,546 ચૂંટણી અધિકારીઓ, 2,827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 1,37,466 પોલીંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી પક્ષિય ધોરણે લડવામાં આવતી નથી, એટલે કોઈપણ રાજકીય પક્ષનો ઉમેદવાર પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડી શક્યો નથી, છતાં પણ ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષની વિચારધારાને વરેલા ઉમેદવારો ચૂંટાય તે માટે એડીટોટીનું જોર લગાવ્યું છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

