
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને ઝટકો, સ્ટાર શટલર પીવી સિંધુની હાર, ટૂર્નામેન્ટની બહાર થઇ સિંધુ
- વર્લ્ડ ચેમ્પયિનશિપ 2021માં ભારતને લાગ્યો મોટો ઝટકો
- સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં હારી
- આ સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ
નવી દિલ્હી: BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં ભારતને નિરાશા સાંપડી છે. સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઇનલ મુકાબલો હારી ચૂકી છે અને ટૂર્નામેન્ટમાંથી બાય બાય થવાનો વારો આવ્યો છે.
વિશ્વની નંબર 1 બેડમિન્ટન પ્લેયર તાઇ જૂ યિંગે પીવી સિંધુને પરાસ્ત કરી હતી. 42 મિનિટ સુધી આ મુકાબલો ચાલ્યો હતો. પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઇ હતી.
પીવી સિંધુ સતત 5મી વખત ચાઈનીઝ તાઈપેની તાઈ જૂ યિંગ સામે હારી ગઈ છે. અત્યાર સુધીમાં બંને વચ્ચે 20 મુકાબલા થયા છે જેમાંથી 15માં પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો છે. ટોક્યો ઓલમ્પિક-2020માં પીવી સિંધુને સેમિફાઈનલમાં તાઈ જૂ યિંગે જ હરાવી હતી.
આપને જણાવી દઇએ કે ગત વખતે પીવી સિંધુએ આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. તેવામાં તે વર્લ્ડ સિંગલ્સની કેટેગરીમાં છઠ્ઠો મેડલ જીતવાથી ચૂકી ગઇ હતી. પીવી સિંધુ મેચ દરમિયાન સતત પછડાટ ખાતી જોવા મળી હતી અને તાઇની સ્પિડ સામે તેનું કશું જ જોર ચાલ્યું ન હતું. અંત હારનો સામનો કરવો પડ્યો હતો.
મહત્વનું છે કે, પીવી સિંધુ વર્લ્ડ નંબર-7 પ્લેયર છે અને 2 વખત ઓલિમ્પિક મેડલ પણ પોતાના નામે કરી ચૂકી છે. પીવી સિંધુએ અગાઉ વર્ષ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તાઇ જૂને માત આપી હતી.