વાયબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગરમાં 11મીથી યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટી મોકુફ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મીથી 12મી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીનગરના મેદાન પર આગામી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટીને વાયબ્રન્ટ સમિટના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉમેદવારોની શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આ મેદાન પર યોજાશે.
લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10, 11 અને 12 જાન્યુઆરી 2022ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી, 1 તથા ૨ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. તથા અન્ય 14 મેદાન ઉપરની શારીરિક કસોટી યથાવત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ગોંડલ, સોરઠ, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાતમાં પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા, પાટણ હેમચંદ્રાચાર્ય ગ્રાઉન્ડ, ગાંધીનગર જૂથ 12 ગ્રાઉન્ડ, વાવ જૂથ 11 ગ્રાઉન્ડ, મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર, મધ્ય ગુજરાતમાં નડિયાદ જૂથ 7, ખેડા- નડિયાદ પોલીસ હેડક્વાર્ટર, જૂથ 5 ગોધરા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા લેવાઈ રહી છે. રાજ્યમાં 3 ડિસેમ્બરથી પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ થઈ હતી, જેમાં 24 ડિસેમ્બર સુધી PSI અને LRD બંને ભરતી માટે ફોર્મ ભરનારા ઉમેદવારોની સાથે પરીક્ષા લેવાઈ હતી. આ બાદ 25મી ડિસેમ્બરથી માત્ર LRDની ભરતીનું ફોર્મ ભરનારા ઉમેદવારોની કસોટી ચાલી રહી છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લીધે એલઆરડી ઉમેદવારોની શારિરીક કસોટી મુલત્વી રાખવાનો નિર્ણય કરાયો છે.