
ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે 36 વ્યક્તિઓને પતંગની દોરીથી થઈ ઈજા
- પતંગ પકડવાની લહાયમાં 20 વ્યક્તિઓ ઉપરથી નીચે પટકાયાં
- અમદાવાદમાં 12 વ્યક્તિઓને પતંગની દોરી વાગી
- અમદાવાદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત
અમદાવાદઃ ગુજરાતમાં સવારથી જ ઉતરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે અને આકાશ રંગબેરંગી પગંતોથી છવાઈ ગયા છે. અમદાવાદમાં પણ લોકો પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરી રહ્યાં છે. દરમિયાન પતંગની ધારદાર દોરીને 36 વ્યક્તિઓને સમગ્ર રાજ્યમાં ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે પતંગ પકડવાની લહાયમાં 20 વ્યક્તિઓ ઉપરથી નીચે પટકાયાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ધારધાર દોરીથી લગભગ 12 વ્યક્તિઓને ઈજા થઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 32 વર્ષીય વ્યક્તિને કપાયેલા પતંગની દોરી ગળાના ભાગે વાગતા ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. આવી જ રીતે દોરીને કારણે એક આધેડને પણ ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક રાહદારીઓને પણ પતંગ અને દોરીને કારણે ઈજા થઈ હતી. સવારથી બપોર સીધીમાં 108 ઈમરજન્સી સેવાને 691 જેટલા ઈજાના કોલ મળ્યા છે. સમગ્ર રાજ્યમાં પતંગની દોરી વાગવાથી અત્યાર સુધીમાં 36 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસિ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. રસ્તા ઉપર અને ખુલ્લામાં પતંગ ચલાગતા લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.