દિલ્હીઃ અનેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી એક ઉદ્યોગ સંસ્થાએ સરકારને આગામી બજેટમાં નેચરલ ગેસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દાયરામાં લાવવા વિનંતી કરી છે. ઉદ્યોગ મંડળે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થતંત્ર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા અને ઇકો-ફ્રેન્ડલી ઇંધણનો હિસ્સો વધારવા કુદરતી ગેસને GSTના દાયરામાં લાવવો જોઇએ. હાલમાં કુદરતી ગેસ GSTના દાયરાની બહાર છે. હાલ કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક, રાજ્ય વેટ, કેન્દ્રીય વેચાણકર લગાવવામાં આવે છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી (FIPI) એ તેના પ્રી-બજેટ મેમોરેન્ડમમાં પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસના પરિવહન અને આયાતી LNGને ગેસમાં રૂપાંતરિત કરવા પર GSTને તર્કસંગત બનાવવાની પણ માંગ કરી છે. FIPIએ જણાવ્યું હતું કે GST શાસનમાં કુદરતી ગેસનો સમાવેશ ન થવાથી કુદરતી ગેસની કિંમતો પર પ્રતિકૂળ અસર પડી રહી છે. ગેસ ઉત્પાદકો-સપ્લાયર્સે અનેક પ્રકારના ટેક્સનો સામનો કરવો પડે છે. ઘણા રાજ્યોમાં નેચરલ ગેસ પર ખૂબ જ ઊંચો વેટ વસૂલવામાં આવે છે. કુદરતી ગેસ પર આંધ્રપ્રદેશમાં 24.5 ટકા, ઉત્તર પ્રદેશમાં 14.5 ટકા, ગુજરાતમાં 15 ટકા અને મધ્યપ્રદેશમાં 14 ટકા વેટ છે
ઇન્ડસ્ટ્રી બોડીએ પેટ્રોલિયમ ઉત્પાદનો જેમ કે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફને વહેલી તકે GSTના દાયરામાં સામેલ કરવાની માંગ કરી છે. તેણે એલએનજીને પ્રદૂષિત પ્રવાહી ઇંધણ સાથે સ્પર્ધાત્મક બનાવવા માટે આયાત ડ્યૂટી ઘટાડવાનો પણ આગ્રહ કર્યો છે. વડપ્રાધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધી દેશમાં પ્રાકૃતિક ગેસની ભાગદારી 15 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલ લગભગ 6.2 ટકા ભાગીદાગી છે.
(PHOTO-FILE)