
વડોદરામાં પીજી નિવાસી યુવતીઓની છેડતી કરનારા રોડસાઈડ રોમિયોને અભયમ ટીમે સબક શિખવાડ્યો
અમદાવાદઃ વડોદરામાં પીજી રહીને અભ્યાસ કરતી કેટલીક યુવતીઓને રોડસાઈડ રોમિયો પરેશાન કરતા હતા. જેથી પીજીમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અભ્યમ પાસે મદદની માંગણી કરી હતી. જેથી પોલીસની ટીમે રોડસાઈડ રોમિયોને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી માફી પત્ર લખાવીને મુક્ત કર્યાં હતા. તેમજ તેમને શબક શીખવાડવા માટે યુવતીઓ પાસે તેમને થપ્પડ પણ મરાવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં બહારગામથી આવેલી અને અહીં ભાડાના મકાનમાં રહીને અથવા પેઇંગ ગેસ્ટ (પી.જી.) તરીકે રહીને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ શિક્ષણ મેળવી રહી છે. ઘણીવાર આસપાસના યુવકો આ વિદ્યાર્થિનીઓની છેડતી કરતાં હોય છે પરંતુ આ દીકરીઓ આવો ત્રાસ મૂંગા મોઢે વેઠી લે છે. તેવા સમયે ઉમા ચાર રસ્તા પાસે પી.જી.માં રહીને ભણતી છોકરીઓ એ 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇનની રેસ્ક્યુ ટીમની મદદ લઈને આવા તત્વોને પાઠ ભણાવ્યો હતો આ દીકરીઓની કેટલાક યુવકો અવારનવાર શાબ્દિક છેડતી કરતા અને રસ્તો રોકવાનો પ્રયત્ન કરતા હતા. દિવસે દિવસે એમની હિંમત ખુલતી ગઈ અને છોકરીઓ માટે ચાની લારી પર ચા પીવાનું પણ અઘરું બની ગયું હતું. આખરે અંતિમ ઉપાય તરીકે આ છોકરીઓ એ 181 પર અભયમનો સંપર્ક કર્યો. જેથી રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી જેણે છેડતી કરનારા યુવકોને લારી નજીક જ ઝડપી લીધા. આ યુવકોને ટીમ દ્વારા આ કૃત્ય ગુનાહિત હોવાની સમજ આપવામાં આવતા તેમણે માફી માંગીને હવે પછી આવું કામ ન કરવાની ખાતરી આપી હતી. પોલીસ કાર્યવાહીની યુવતીઓએ અનિચ્છા વ્યક્ત કરી હતી. સજા રૂપે આ યુવતીઓ એ પ્રત્યેક યુવકને એક એક લાફો માર્યો હતો તેમજ લેખિત માફીનામુ લઈને આ યુવકોનું ભાવિ ન બગડે તેવી ઉદારતા આ યુવતીઓએ દાખવી અને પોલીસ કાર્યવાહી ટાળી.