
Covid-19 :ભારતમાં 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ
- ભારતના નામે એક વિશેષ સિદ્ધિ
- 15-18 વર્ષની વયના બાળકોનું રસીકરણ
- 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ
દિલ્હી:ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેની પાછળનું કારણ પણ કોરોના રસીકરણ અભિયાનમાં વેગ છે.કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 સામે સંપૂર્ણ રસી આપવામાં આવી છે.માંડવિયાએ કહ્યું કે,યંગ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને આગલા સ્તર પર લઈ જઈ રહ્યું છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,15 થી 18 વર્ષની વય જૂથના 70 ટકાથી વધુ લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા અનુસાર, એવો અંદાજ છે કે,2021-22માં 15 થી 18 વર્ષની વય જૂથની વસ્તી લગભગ 7.4 કરોડ છે. દેશમાં આ વય જૂથ માટે કોવિડ વિરોધી રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે,દેશમાં શુક્રવારે એન્ટી-કોવિડ રસીના ડોઝની સંખ્યા 174.99 કરોડના આંકડાને વટાવી ગઈ છે.
ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડના વલણમાં ઘટાડો જોવાનું શરૂ થયું છે.શુક્રવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 25,920 કેસ નોંધાયા છે અને હવે તાજા કોવિડ સંક્રમણમાં લગભગ 16 ટકાનો ઘટાડો થયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન, સંક્રમણને કારણે 492 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે પછી વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5,10,905 થઈ ગયો છે.