પશ્ચિમ બંગાળઃ TMCના નેતાની હત્યા બાદ ટોળાએ 12 જેટલા મકાનોને આગચાંપી, 10ના મોત
લખનૌઃ પશ્ચિમ બંગાળના બીરભૂમિના રામપુરહાટ વિસ્તારમાં ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. તેમજ તોફાની ટોળાએ 10થી 12 ઘરના દરવાજા બહારથી બંધ કરીને આગ ચાંપી હતી. આ બનાવમાં 10 વ્યક્તિઓ ભડથું થયાનું ચર્ચાઈ રહ્યું છે. રામપુરહાટના બરશલ ગ્રામ પંચાયતના ઉપ પ્રમુખ ભાદુ શેખની હત્યા થઈ હતી. આ હત્યાનો બદલો લેવા માટે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યાનું મનાઈ રહ્યું છે. ડીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પરિસ્થિતિ વધારે ના વણશે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર રાતના લગભગ 10થી 12 ઘરને સળગાવવામાં આવ્યાં હતા. જેમાં 10 વ્યક્તિઓના મોત થયાં છે. તેમના મૃતદેહ મળી આવ્યાં છે. એક જ ઘરમાંથી 7 મૃતદેહ મળ્યાં હતા. આ રાજકીય અદાવતની ઘટના છે. તૃણમૂલ કોંગ્રેસના કબજાવાળી બરશલ ગ્રામ પંચાયતમાં ઉપપ્રમુખ ભાદુ શેખ હતા. તેમની ગઈકાલે સોમવારે સાંજે હત્યા થઈ હતી. ભાદુ શેખની હત્યા બાદ મામલો વધારે બિચક્યો હતો. તેમજ ઉશ્કેરાયેલા તેમના સમર્થકોએ શંકાસ્પદ મનાતા લોકોના ઘરોમાં આગ ચાંપી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. તેમજ સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.