
અમદાવાદઃ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તકરાર
અમદાવાદઃ મ્યુનિસપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. સભા દરમિયાન પાણી અને રોગચાળાના મુદ્દે સત્તાપક્ષ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તકરાર થઈ હતી. તેમજ બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ચકમક ઝરી હોવાનું જાણવા મળે છે. જેથી વાતાવરણ તંગ બન્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મનપાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષના નેતા શહેઝાદખાન અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન કોંગ્રેસના નગરસેવકોએ ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં હતા. દરમિયાન પાણીની સમસ્યા અને રોગચાળાના મુદ્દે કોંગ્રેસના નગરસેવકો દેખાવો કરતા કરતા મેયરના ડાયસ તરફ દોડી ગયા હતા. જેથી ભાજપના નગરસેવકો વચ્ચે પડ્યાં હતા. જેથી ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ધક્કા-મુકી થઈ હતી. તેમજ કોંગ્રેસના નગરસેવકોને મેયરના ડાયસથી દૂર ખસેડવામાં આવ્યાં હતા. ઉગ્ર બોલાચાલી વચ્ચે મેયરે બોર્ડમાં તમામ કામો મજૂર કરીને સામાન્ય સભાને બરખાસ્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મનપાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે તકરાર થઈ હતી.