1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના કેસર કેરીના બાગાયતકારોને પણ વાતાવરણનું ગ્રહણ નડ્યુ, ઉત્પાદનમાં 70 ટકાનો ઘટાડો
કચ્છના કેસર કેરીના બાગાયતકારોને પણ વાતાવરણનું ગ્રહણ નડ્યુ, ઉત્પાદનમાં 70 ટકાનો ઘટાડો

કચ્છના કેસર કેરીના બાગાયતકારોને પણ વાતાવરણનું ગ્રહણ નડ્યુ, ઉત્પાદનમાં 70 ટકાનો ઘટાડો

0
Social Share

ભૂજઃ સૌથી મોટા ગણાતા કચ્છ જિલ્લામાં ઔદ્યાગિક વિકાસની સાથે સાથે કૃષિક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. કચ્છની બંજરભૂમિ નર્મદાના પાણીથી નંદનવન જેવી બની ગઈ છે. હવે તો વિવિધ ફળફલાદી માટે પણ કચ્છ ઓળખાવા લાગ્યું છે. જેમાં કચ્છની કેસર કેરી એના મધૂર સ્વાદને લીધે ગુજરાત જ નહી વિદેશોમાં પણ જાણીતી બની છે. છેલ્લા બે-ચાર વર્ષમાં કચ્છની કેસર કેરીની માગમાં ખૂબ વધારો થયો છે. આ વર્ષે પણ ખેડુતોને કેસર કેરીના સારા પાકની આશા હતી પરંતુ આ વર્ષે વિષમ હવામાનના પગલે કુલ ઉત્પાદનમાં 70 ટકાથી વધુનો ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.  જેને લઈ કેસરના ચાહકોને વધુ ભાવ ચૂકવવા પડશે. વિદેશ વસતા કેસરના ચાહકો માટે ડોમેસ્ટિક કાર્ગોનો ભાવ વધારો કેરીનો સ્વાદ ખાટો કરી શકે છે. ગત વર્ષે થયેલા 1.7 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની સરખામણીએ આ વખતે કુલ ઉત્પાદનમાં 70 ટકા જેટલો ઘટાડો થવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

કચ્છ ખેતીવાડી કચેરીના બાગાયત વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કેરીનું કુલ વાવેતર 10, 600 હેક્ટરમાં થયું હતું. જો કે ચાલુ વર્ષે અતિશય તાપ અને પવનના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં અસર જોવા મળી રહી છે. પરંતુ સરેરાશ તેના વાવેતરમાં ખેડૂતોની રુચિ ઘટે એવું લાગતું નથી. અતિ રસદાયક અને મધૂર રસથી ભરપૂર કચ્છની માનીતી કેસર કેરીને આરોગવા સ્થાનિક સાથે દેશ વિદેશના સ્વાદ રસિકો વર્ષભેર રાહ જોતા હોય છે. હાલ બજારમાં આવતી ગીરની કેસર તથા હાફુસ અને બદામ કેરી આરોગવા છતાં કેસર કેરી વગર લોકોને કેરીનો સ્વાદ અધૂરો લાગી રહ્યો છે. હાલ બજારમાં હોલસેલ વેપારીઓ દ્વારા ઉતાવળે કાર્બનથી પકાવી કેસર કેરીનું રૂ. 140થી 150ના છૂટક ભાવે વેચાણ થઈ રહ્યું છે. જેથી ખેડૂત પાસેથી આવેલી ઓર્ગેનિક કેસર બજારમાં બિન ઓર્ગેનિક બની રહી છે. ટૂંકમાં બે દિવસ દરમિયાન કુદરતી રીતે પાકેલી કેસર કેરી બજારમાં ધૂમ મચાવતી જોવા મળી શકે છે. જો કે ઉપજમાં ખોટને લઈ તે લાંબો સમય સુધી માર્કેટમાં નહીં દેખાય તે પણ એક વાસ્તવિકતા છે.

કચ્છના આંબાવાડી ધરાવતા ખેડુતોના કહેવા મુજબ  કેસર કેરીના ઉત્પાદનને આ સિઝનમાં હવામાનમાં થયેલા વ્યાપક ફેરફારના કારણે મોટી આડ અસર પડી છે. એકર દીઠ 8 ટન માલની ઉપજ સામે માત્ર 1થી 3 ટન માલ ઉતરવાની સંભાવના છે, કારણ કે તાપમાનમાં થયેલો સતત વધારો અને તેજ પવનના કારણે કેરી ઝાડ પરથી ખરી પડી છે. કેરી ખરી પડતાં ઉપજ પણ ઓછી મળી રહી છે. તો બીજી તરફ વિદેશ લઈ જતા કે મંગાવતા લોકોને આ વખતે ડોમેસ્ટિક કાર્ગોમાં ભાવ વધારો નડી રહ્યો છે. તેથી ખેડૂતોને નિકાસથી જે સારા ભાવ મળતા હતા તેમાં ખોટ આવી છે. ગત વર્ષે ફ્લાઈટમાં કેસર કેરી લઈ જવાનો ખર્ચ પ્રતિ કિલો રૂ. 70થી રૂ. 100 હતો તેના હવે રૂ. 257 થઈ ગયા છે, જેને લઈને નિકાસ ઘટી છે. તેથી ખેડૂતો માટે હવામાન સાથે કાર્ગોના ભાવ વધારાને લઈને પડ્યા પર પાટુનો તાલ સર્જાયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code