1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીર અભ્યારણ્યમાં 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી વેકેશન, 4 મહિના સિંહ દર્શન થઈ શકશે નહીં
ગીર અભ્યારણ્યમાં 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી વેકેશન, 4 મહિના સિંહ દર્શન થઈ શકશે નહીં

ગીર અભ્યારણ્યમાં 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી વેકેશન, 4 મહિના સિંહ દર્શન થઈ શકશે નહીં

0
Social Share

જુનાગઢઃ મેઘરાજાના આગમન સાથે જ જંગલના રાજાને કોઈ ખલેલ ન થાય તે માટે ગીરના જંગલના દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે. આગામી 16 જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થવા જઇ રહ્યું છે. આ વેકેશન 4 માસનું દર વર્ષે હોય છે. જે 16 ઓક્ટોબરના ફરી વેકેશન પૂર્ણ થતાં સાસણ અને ગીરનાર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. વેકેશનના ચાર માસ દરમિયાન સિંહોનો સંવનન કાળ હોવાથી અભ્યારણ્ય તા. 16મી જુનથી 15મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ, મુલાકાતીઓ માટે બંધ રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એશિયા ટીક સિંહોના એકમાત્ર અભ્યારણ્ય ગણાતા ગીર નેશનલ પાર્કમાં 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર માસ સુધી પ્રવાસીઓ ગીર અભ્યારણ્યમાં સિંહદર્શન કરી નહીં શકે. આ સમય સિંહો માટે ખાસ મેટીંગ સમય ગણવામાં આવે છે. જેથી 4 માસનું વેકેશન રહેશે. ચોમાસા દરમિયાન સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે સંવનન કાળ હોવાથી તેઓને ખલેલ ન પહોંચે તે માટે જંગલમાં પ્રવેશ નહીં કરી શકે. જંગલના તમામ રુટો બંધ રહેશે. માત્ર દેવળીયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે

વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર મહિના દરમિયાન જંગલમાં માત્ર સિંહોનુ રાજ હોય છે, કોઈ પ્રવાસી પણ ફરકી શક્તો નથી. ત્યારે આ વર્ષે 16 જૂનથી ગીરમાં સિંહોનુ વેકેશન પડવાનું છે.  ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે 16 જુનથી પ્રવાસીઓ સિંહના દર્શન નહિ કરી શકે. પ્રવાસીઓ માટે 4 મહિના સફારી રૂટ બંધ થશે. જોકે, પ્રવાસીઓ માટે દેવળિયા સફારી પાર્ક ચાલુ રહેશે. ચાર મહિના બાદ જ્યારે આ વેકેશન સમય પૂર્ણ થાય છે ત્યારે દિવાળીના સમય દરમિયાન સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવે છે.   ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો  કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code