
ગુજરાત હાઈકોર્ટમાં હવે નવા કેસની ઝડપી સુનાવણી માટે ઓટોલિસ્ટિંગથી અરજદારોને રાહત થશે
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નવા નોંધાયેલા કેસને ઓટો લિસ્ટિંગ કરવાનો નિર્ણય ચીફ જસ્ટિસ અરવિંદકુમારે લીધો છે. આ નિર્ણયથી લાખો પક્ષકારોને કેસ ચલાવવા માટે વધુ સમયની રાહ નહીં જોવી પડે. કેસ નોંધાયા બાદ જે તે વકીલને ઇમેઇલ, મેસેજથી જાણ કરાશે. નવા ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગ થવાથી કેસ નોંધાયા બાદ બે દિવસમાં તેને બોર્ડ પર સુનાવણી માટે મુકાશે. આમ કેસની ઝડપી સુનાવણીને લીધે અરજદારોને ફાયદો થશે.
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નવા નોંધાયેલા કેસને ઓટો લિસ્ટિંગ કરવાના નિર્ણયથી લાખો પક્ષકારોને કેસ ચલાવવા માટે વધુ સમયની રાહ નહીં જોવી પડે. નવા ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગ થવાથી કેસ નોંધાયા બાદ બે દિવસમાં તેને બોર્ડ પર સુનાવણી માટે મુકાશે. એટ્રોસિટીના ગુનામાં નવી ફાઇલ થતી રેગ્યુલર જામીન અરજીની સુનાવણી બીજે દિવસે થશે. કેસ હાઈકોર્ટમાં નોંધાય તેના બીજે જ દિવસે તેને સુનાવણીમાં માટે મુકાશે. જ્યારે એટ્રોસિટી કેસમાં આગોતરા જામીન અરજી નોંધાય તેના ત્રીજા દિવસે તેના પર સુનાવણી થશે. ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટમાં નોંધાશે તેના ત્રીજા દિવસે ક્વોશિંગ પિટિશન પર સુનાવણી યોજાશે. ઓટો લિસ્ટેડ કેસ-1 અને 2 એમ બે બોર્ડ અલગથી બનાવી, નવા કેસની સુનાવણી કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટમાં શનિ-રવિ બે દિવસ રજા હોવાથી નવા કેસનું ઓબ્જેક્શન દૂર કરવા સોમવારથી ગણતરી કરાશે. હાઈકોર્ટ રજિસ્ટ્રાર દ્વારા કેસમાં ઓબ્જેક્શન હોય તો તેને સુનાવણીમાં મૂકી શકાશે નહીં. અત્યાર સુધી નવા નોંધાયેલા અરજન્ટ કેસની ઝડપી સુનાવણી માટે જે-તે કોર્ટમાં મંજૂરી લેવી પડતી હતી.