ધોરણ 9થી 12ની નવી પરીક્ષા પદ્ધતિનો અમલ આ વર્ષે નહીં કરવા શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય
ગાંધીનગરઃ કોરોનાની મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને પરીક્ષાના ગુણભારને લઈને કેટલાક સૂચનાત્મક ફેરફારો કરવામાં આવ્યા હતા આ ફેરફાર આ વખતના શિક્ષણ સત્રમાં રદ કરવામાં આવ્યા છે. એની જગ્યાએ 2019 -20 માં નક્કી કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર કાર્યવાહી કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. બુધવારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો. જેનો અમલ આ વખતે બોર્ડની અને શાળાની પરીક્ષામાં કરવામાં આવશે
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વર્ગોની પરીક્ષા પદ્ધતિ મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2022-2023ની વાર્ષિક તેમજ અન્ય પરીક્ષાઓ માટે વર્ષ 2019-2020 મુજબની પરીક્ષા પદ્ધતિનું અમલીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળના બે વર્ષ દરમિયાન પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે ધોરણ 9થી 12ના પશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નોપત્રો વર્ષ 2019-2020ના પરિપત્ર મુજબ અમલીકરણ કરવાનું રહેશે. ધોરણ-10માં 100 માર્ક માટે શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક અને બોર્ડનું પેપર 80 માર્કનું રહેશે. ધોરણ-10માં 20માંથી 7 અને 80માંથી 26 એમ કુલ 33 માર્ક મેળવનારા વિદ્યાર્થી પાસ કહેવાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 100 માર્કના પ્રશ્નપત્રમાં 20 માર્ક હેતુલક્ષી પ્રશ્ન અને 80 માર્કના ટૂંકા, લાંબા અને નિબંધ પ્રકારના પ્રશ્નો પુછાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100 ટકા થીયરી પ્રકારના પ્રશ્નો મુજબના પ્રશ્નપત્રનું પરિરૂપનો અમલ યથાવત રહેશે. ધોરણ 10ની માર્ચ 2020ની પરીક્ષામાં 50 ટકા ઓએમઆર પદ્ધતિને સ્થાને 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. બોર્ડની પરીક્ષામાં ધો.10માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 ટકાના બદલે બોર્ડના 80 માર્કના પ્રશ્નપત્રમાં 20 ટકા ટકા ગુણ આંતરિક મુલ્યાંકન ના રાખવામાં આવ્યા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં ગણિત, રસાયણ વિજ્ઞાન,ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી પ્રથમ ભાષા, અંગ્રેજી પ્રથમ ભાષા અને હિન્દી પ્રથમ ભાષા વિષયોમાં એનસીઈઆરટીના પાઠયપુસ્તકોનો અમલ કરવાનો રહેશે. ધોરણ 9થી 12ના વર્ષ 2019– 2020માં તૈયાર કરેલા પ્રશ્નપત્રના પરિરૂપ, ગુણભારનો અમલ શૈક્ષણિક વર્ષ 2022-23ની વાર્ષિક પરીક્ષા, અન્ય શાળાકીય પરીક્ષા માટે અમલ કરવાની સૂચના આપવામા આવી છે.


