
દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણથી સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે, જસ્ટિસ ચંદ્રચુડ
ગાંધીનગરઃ દેશની પ્રતિષ્ઠિત ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં યોજાયેલા અગિયારમાં દીક્ષાંત સમારોહમાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અને જીએનએલયુના વિઝિટર ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે કુલ 247 વિદ્યાર્થીઓને એલએલએમ, એલએલબી, એમબીએ, ડોક્ટરલ અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ ડો. ચંદ્રચુડએ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે.
ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં વર્ષ 2020 માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટે કોન્વોકેશનનું આયોજન કર્યું હતું. કોવિડ રોગચાળાને કારણે દીક્ષાંત સમારોહ અગાઉ યોજાઈ શક્યો ન હતો. ત્યારે વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહને બદલે પ્રત્યક્ષ સમારોહમાં તેમની ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હતા. જેનાં પગલે GNLU દ્વારા 11 માં દીક્ષાંત સમારોહનું આયોજન કરીને કુલ 247 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જે અન્વયે પાંચ વર્ષના સંકલિત એલએલબી પ્રોગ્રામના 171 વિદ્યાર્થીઓ, એલએલએમ પ્રોગ્રામના 61 વિદ્યાર્થીઓ, એમબીએ પ્રોગ્રામના 12 વિદ્યાર્થીઓ અને ડોક્ટરલ પ્રોગ્રામના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પીએચડીની પદવી મેળવનારમાં 1991 બેચના કેરલા કેડરના આઈ.આઈ.એસ. અધિકારી ડો. રાજૂ નારાયણ સ્વામિનો પણ સમાવેશ થાય છે. જ્યારે વિવિધ વિષયોમાં શૈક્ષણિક પ્રદર્શન માટે 16 વિદ્યાર્થીઓને 27 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાંથી 15 મેડલ આઠ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા. બીબીએ એલએલબી પ્રોગ્રામની સિમરન જૈનને સર્વાધિક ચાર ગોલ્ડ મેડલ મળ્યા હતા.
આ પ્રસંગે ડૉ. જસ્ટિસ ડી.વાય.જસ્ટિસ ચંદ્રચુડે દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેમણે આવા દૂષિત વાતાવરણથી પ્રભાવિત થયા સિવાય પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી પોતાના ધ્યેય તરફ આગળ વધતાં રહેવું જોઈએ. વિદ્યાર્થીઓને મૌનનું મહત્વ સમજાવતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, વકીલ તરીકે તેમના એક કેસમાં તેમના અસિલનો કેસ પ્રમાણમા ઘણો નબળો હતો. પરંતુ સામા પક્ષના વકીલે એવી બિંનજરૂરી અને ખોટી દલીલો કરી કોર્ટને એટલી તંગ કરી કે ન્યાયાધીશે તે કેસનો ચુકાદો તેમના અસિલની તરફેણમાં આપ્યો હતો.
આ પ્રસંગે જસ્ટિસ એમ.આર. શાહે ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ સ્વર્ગસ્થ કિરીટ રાવલને યાદ કરીને કહ્યું કે, ગુજરાતમાં વિશ્વ કક્ષાની કાયદાની યુનિવર્સિટી હોય તે તેમનું સ્વપ્ન હતું. તેમણે તે વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડ્યો, કે જેઓ તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેમના પ્રયત્નોથી 2004 માં GNLU ની સ્થાપના થઈ. તેમણે કહ્યું કે મને આનંદ છે કે 18 વર્ષના ટૂંકા ગાળામાં, GNLU દેશની ટોચની રેન્કિંગ લો યુનિવર્સિટી તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, કમ્ફર્ટ ઝોનમાથી બહાર આવવાથી જ વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જીવનમાં પૈસા, પદવીઓ કે મેડલ મેળવવા જ પર્યાપ્ત નથી. પ્રત્યેક માણસે પ્રમાણિક્તા, નમ્રતા અને માનવતાના ગુણો આવશ્ય કેળવવા જોઈએ.