હૈદરાબાદના યુવાનના પ્રેમમાં પાગલ પાકિસ્તાની યુવતી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી ઝડપાઈ
નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં સીતામઢીની ભારત-નેપાળ સરહદેથી ગેરકાયદે ઘુસણખોરી કરનારી પાકિસ્તાની યુવતીની સુરક્ષા જવાનોએ અટકાયત કરી હતી. સુરક્ષા જવાનોએ ઝડપેલી યુવતીનું નામ ખાલિદા નૂર હોવાનું જાણવા મળે છે. યુવતી સોશિયલ મીડિયા મારફતે હૈદરાબાદના યુવાનના સંપર્કમાં આવી હતી. યુવતી પ્રેમીને પામવા માટે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ઝડપાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની યુવતી ખાલિદા નૂરને આખરે SSB દ્વારા પૂછપરછ બાદ જેલમાં મોકલી દેવામાં આવી હતી. પરવાનગી વગર ભારતીય સરહદમાં પ્રવેશવા બદલ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ખાલિદા નૂર પાસે પાસપોર્ટ હતો, પરંતુ તેની પાસે વિઝા ન હતા. આ સંબંધમાં સીતામઢીના સુરસંદ પોલીસ સ્ટેશનમાં પાકિસ્તાની મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, યુવતી તેના પ્રેમીને મળવા માટે ભારત આવવા નીકળી હતી. આ માટે તે પહેલા દુબઈ ગઈ હતી. ત્યાંથી તે નેપાળના કાઠમંડુ સ્થિત હોટલમાં ત્રણ દિવસ રોકાણ કર્યું હતું. તે બાદ નેપાળી યુવક અને પ્રેમીના ભાઈ સાથે ભારતમાં પ્રવેશી રહી હતી. દરમિયાન સુરક્ષા જવાનોએ તેમને ઝડપી લીધા હતા. કિસ્તાની મહિલાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલવામાં આવી હતી. યુવતી સોશિયલ મીડિયા મારફતે હૈદરાબાદના અહેમદના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, યુવતી પાસેથી આધારકાર્ડ સહિતના બનાવેટી દસ્તાવેજ મળ્યાં હોવાનું જાણવા મળે છે.
8 ઓગસ્ટના રોજ પાકિસ્તાની યુવતી ખાલિદા નૂરની નેપાળ સરહદેથી અટકાયત કરવામાં આવી હતી. આ પહેલા નેપાળ બોર્ડર પરથી એક ચીની નાગરિકની અટકાયત કરવામાં આવી હતી આવા સમયે પાકિસ્તાની યુવતીની ધરપકડથી ફરી એકવાર ભારત અને નેપાળની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે.
સુરક્ષા એજન્સીની પૂછપરછમાં પાકિસ્તાની મહિલાની ઓળખ ફૈસલાબાદની રહેવાસી ખાલિદા નૂર તરીકે થઈ છે. પાકિસ્તાની યુવતી પાસેથી એટીએમ કાર્ડ, નેપાળી અને પાકિસ્તાની મોબાઈલ સિમ મળી આવ્યા છે. પાકિસ્તાની યુવતીની સાથે બે યુવકોને પણ SSB દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એક યુવક હૈદરાબાદનો અને બીજો યુવક નેપાળનો હોવાનું કહેવાય છે. સુરક્ષા એજન્સી દરેકની પૂછપરછ કરી રહી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

