અમદાવાદમાં વરસાદી માહોલઃ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં પણ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિ અને આજે વહેલી સવારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા.
અમદાવાદના એલિસબ્રિજ, લાલદરવાજા, આસ્ટોડિયા, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડી, ઘાટલોડિયા, રાણીપ, વાડજ, શ્યામલ ચાર રસ્તા, સરખેજ સહિત તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોપલ, શેલા, શિલજ, ઘૂમામાં વરસાદ, આનંદનગર, ઈન્કમટેક્ષ, અખબારનગરમાં વરસાદ પડ્યો હતો.
જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે અનેક વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ એસ.જી. હાઈવે સહિત કેટલાક સ્થળો ઉપર પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતા.
ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં નિકોલમાં 4 એમએમ, રામોલમાં 25 એમ એમ હાટકેશ્વર -ખોખરા 3 એમએમ, પાલડીમા 47 એમએમ, ઉસ્માનપુરામાં 11 એમએમ, ચાંદખેડામાં 8, મેમ્કોમાં 12 એમએમ, નરોડામાં 1 એમએમ, કોતરપુરમાં 2.50 એમએમ, મણિનગરમાં 18 એમએમ, વટવામાં 25 એમએમ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં હાલ અનેક વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેથી વરસાદને કારણે આ વિસ્તારમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત અનેક વિસ્તારમાં રસ્તા ઉપર ખાડા પડ્યાં છે. બીજી તરફ તંત્રની કામગીરીથી લોકોમાં નારાજગી ફેલાઈ છે.