દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું
દ્વારાકાઃ જન્માષ્ટનીના દિને દ્વારકાધિશના દર્શનનો અનોખો મહિમા છે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે આવતા હોય છે. જન્માષ્ટ્મી પર્વને હવે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કૃષ્ણજન્મોત્સવની મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમી ઊજવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બે વર્ષ બાદ એટલે કે કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી છે જેમાં માનવ મહેરામણ ઉમટી પડે શકયતા છે . જન્માષ્ટમી તહેવારને લઈને પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જગત મંદિરને રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીના ઝગમગાટથી મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી ઉત્સવ અંગે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તમામ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જન્માષ્ટમી ઉત્સવ માટે મોટી સંખ્યામાં લોક ઉમટી પડશે તેવી શકયતાને ધ્યાનમાં રાખતા ટ્રાફિક નિયમન તેમજ પાર્કિંગની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે જ લોકોને સારી રીતે દર્શન થઈ શકે તે માટે પણ મંદિરમાં વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરવામાં આવી છે. રજાઓના માહોલને કારણે દ્વારકામાં અત્યારથી જ દર્શન કરવા માટે લોકો ઉમટી રહ્યા છે. ત્યારે હેલ્પ ડેસ્ક પણ ઊભા કરવામાં આવ્યા છે.હાલમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે ત્યારે કલેક્ટરે આદેશ આપ્યા હતા કે સહેલાણીઓ દરિયાથી દૂર રહે તેમજ બીચ ઉપર અંદર સુધી ન જાય. હાલમાં દરિયામાં કરંટ હોવાને લીધે જોખમ ઉભું થઈ શકે છે. સાથે જ લોકો દ્વારા કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. તેમજ હોટેલ એસોસિએશન દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ પણ જણાવવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ સામાન્ય માહોલમાં જન્માષ્ટમી ઉજવાઈ રહી હોવાથી દ્વારકા મંદિર તેમજ શહેરમાં અનેરી રોનક જોવા મળી હતી. વેપારીઓમાં પણ સ્થાનિક ખરીદી વધે તેવો આશાવાદ જોવા મળ્યો હતો. જન્માષ્ટમી પર્વના કારણે જગત મંદિર તેમજ ખંભાળિયા અને આસપાસના વિસ્તારમાં હાલમાં મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.