
MPમાં ભારે વરસાદની ચેતવણી,11 જિલ્લામાં શાળાઓ બંધ; રાજસ્થાન-ઉત્તરાખંડમાં પણ એલર્ટ
ભોપાલ:વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને બિહારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને બિહારમાં તે ખતરાના નિશાનની નજીક છે.હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.આ તમામ રાજ્યોમાં મંગળવારે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી વરસાદથી કોઈ રાહત મળવાની આશા નથી.
મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદ શરૂ છે.મંગળવારે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે આજે રતલામ, ઉજ્જૈન, ઈન્દોર, ધાર, ઝાબુઆ અને અલીરાજપુરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.બીજી તરફ બડવાણી, ખરગોન, ખંડવા, દેવાસ, અગર-માલવા, મંદસૌર, નીમચમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશના મોટા ભાગોમાં નદીઓ, નાળાઓ અને અન્ય પાણીના સ્ત્રોતો ઉભરાઈ રહ્યા છે અને પાણી છોડવા માટે ઘણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.ખાસ કરીને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઘણા રસ્તાઓ પર ઓછી વિઝિબિલિટીને કારણે વાહનોની અવરજવર ઓછી થઈ ગઈ છે.રાજ્યના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો છે.IMDએ લોકોને મુશળધાર વરસાદ વચ્ચે મુસાફરી ટાળવાની સલાહ આપી છે. સોમવારે ભારે વરસાદને કારણે ભોપાલ, હરદા, સિહોર, રતલામ, ઉજ્જૈન અને ઈન્દોર સહિત 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ રહી હતી. જ્યારે સિહોરમાં 24 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેશે.
રાજસ્થાનના કોટા, ઝાલાવાડ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ અને ત્યારબાદ ડેમમાંથી વધુ પાણી છોડવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.જિલ્લા પ્રશાસને કોટા, ઝાલાવાડ અને બુંદીની સરકારી અને ખાનગી શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરી છે.સોમવારે પણ આ જિલ્લાઓમાં શાળાઓ બંધ રહી હતી. ત્રણેય જિલ્લામાં કોટા સૌથી વધુ પ્રભાવિત છે.