
ઝારખંડઃ કેપ્ટિવ-કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાના ઉત્પાદનનો અંદાજ
નવી દિલ્હીઃ ઝારખંડમાં કેપ્ટિવ અને કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થવાની કોલસા મંત્રાલય દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.
કોલસા મંત્રાલયના અધિક સચિવ અને નોમિનેટેડ ઓથોરિટીએ ઝારખંડમાં 20 નોન-ઓપરેશનલ કેપ્ટિવ અને કોમર્શિયલ કોલ બ્લોક્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, ઝારખંડના નિયામક (ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર) સાથે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને PCCF-ઝારખંડના અધિકારીઓ અને પ્રોજેક્ટના સમર્થકો હાજર રહ્યા હતા.
કોલસા મંત્રાલયે ઝારખંડના ગેર-પરિચાલિત કોલ બ્લોક્સની સમગ્ર સ્થિતિમાં સુધાર અને રાજ્યના ખનન અને વન વિભાગ દ્વારા આપવામાં આવતી સહાયની પ્રશંસા કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અંદાજે 3 થી 4 કોલ બ્લોક્સને ખાણકામની પરવાનગી મળશે અને ચાર કોલ બ્લોકમાંથી કોલસાનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
ઝારખંડના કેપ્ટિવ અને કોમર્શિયલ કોલ બ્લોક્સમાં 2022-23માં લગભગ 37.3 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થવાની ધારણા છે. અગાઉ આ આંકડો 2021-22માં 17.72 મિલિયન ટન હતો. આ રીતે, 2021-22ની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં 110.4 ટકાનો વધારો થશે. કોલસા મંત્રાલયે પ્રોજેક્ટના સમર્થકોને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.