 
                                    ગુજરાતના 17 જિલ્લા અને તાલુકામાં રૂા. 435 કરોડના ખર્ચે નવા કોર્ટ બિલ્ડીંગ બનાવાશેઃ રાજેન્દ્ર ત્રિવેદી
ગાંધીનગરઃ રાજય સરકારે કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી તેની તમામ માંગણીઓને સંતોષી છે. તેથી જ આ વિભાગને સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી કરવામાં આવે છે. રાજ્યમાં કોર્ટ બિલ્ડીંગ તથા ન્યાયિક અધિકારીઓ/ કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે વિભાગની ચાલુ વર્ષની રૂા. 1740 કરોડની કુલ બજેટ જોગવાઈ સામે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 683.3 કરોડની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે. તેમ રાજયના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંદાજિત રૂા.100 કરોડના ખર્ચે રાજયના વિવિધ તાલુકા – જિલ્લા મથકોએ બહુમાળી પ્રકારના કોર્ટ બિલ્ડીંગ તૈયાર થયા છે, જેમા ખંભાળીયા, જિલ્લો.દેવભૂમિ દ્વારકા, રાજપીપળા, ગાંધીધામ, આંકલાવ, વડોદરા જિલ્લાના દેસર તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ કોર્ટ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજયના વિવિધ-17 જિલ્લા- તાલુકા મથકે કુલ રૂા. 435 કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ તૈયાર કરાશે. જેમાં ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, સુત્રાપાડા, રાજકોટ જિલ્લાના ભાયાવદર, ફેમીલી કોર્ટ અમદાવાદ, કડાણા, ગોધરા, ઉમરાળા, ટંકારા, સાણંદ, માંડલ, હિંમતનગર, છોટાઉદેપુર જિલાના કવાંટ, તાપી જિલ્લાના ઉચ્છલ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, દાહોદ જિલ્લાના ઝાલોદ અને ભાવનગર જિલ્લા કોર્ટ બિલ્ડિંગના નિર્માણની મંજૂરીનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર ન્યાયાલયો સાથે ન્યાયાધીશો તથા સ્ટાફની પણ ચિંતા કરે છે. તેમને પણ આધુનિક અને વ્યવસ્થિત આયોજનયુક્ત સુવિધા પુરી પાડવા માટે સરકાર સુસજ્જ છે. જેથી વિવિધ 20 તાલુકા-જિલ્લા મથક ખાતે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પૂરતા પ્રમાણમાં મળે તે માટે કુલ રૂ. 57 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સિદસર, રાજકોટ, સિનોર, ધોળકા, માંડલ, કડાણા, ગોધરા, પ્રાંતિજ, ઉચ્છલ, કરજણ, ડભોઈ, દેદિયાપાડા, થરાદ અને હિંમતનગર ખાતે ન્યાયિક અધિકારી તથા કર્મચારીઓના રહેણાંક મકાનોના બાંધકામ તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ બદલી થઈને આવેલ ન્યાયાધીશોને તાત્કાલીક રહેઠાણના આવાસ મળે તે હેતુથી અમદાવાદ ખાતે કોમનપુલના આવાસોમાંથી ન્યાયાધિશો માટે કુલ 104 આવાસો ઈયરમાર્ક કરી હાઈકોર્ટને સોંપાયા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

